ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી. આર. પાટીલને પેન ડ્રાઈવ અને ફર્જી પત્રિકાથી બદનામ કરવાના ષડયંત્રમાં સુરત પોલીસ મોટી કાર્યવાહી કરે તેવા સંકેત મળી રહ્યા છે. સુમુલ ડેરીના વાઈસ ચેરમેન એવા રાજુ પાઠકને આજ સંદર્ભે પૂછપરછ માટે ક્રાઈમ બ્રાંચ બોલાવાયા છે.


સૂત્રોનું માનીએ તો પાટીલ વિરુદ્ધના ષડયંત્રની ગાંધીનગરમાં જ્યારે બેઠક મળી હતી. તેમાં રાજુ પાઠક પણ હાજર હતા. સુત્રોના મતે તે બેઠકમાં 3 પૂર્વ મંત્રીઓ પણ હાજર હતા અને તેમાં જ પાટીલને બદનામ કરવા શું-શું કરી શકાય તેની રણનીતિ ઘડાઈ હતી. પાટીલને બદનામ કરવાના કેસમાં પૂર્વ મંત્રી ગણપત વસાવાના નિકટના સાથી સહિત 3ની અત્યાર સુધી ધરપકડ થઈ ચૂકી છે. જો કે પાઠકની અટકાયત કે ધરપકડ ક્યારે કરાશે તે અંગે પોલીસે હજુ સત્તાવાર જાણકારી આપી નથી.


સુરત ક્રાઈમ બ્રાન્ચે સુરત પેમ્ફલેટ કાંડ દ્વારા સીઆર પાટીલને બદનામ કરવાના આરોપમાં દક્ષિણ ગુજરાતમાંથી પાર્ટીના ત્રણ કાર્યકરોની ધરપકડ કરી હતી. દીપુ યાદવ, ખુમાનસિંહ અને રાકેશ સોલંકીની ધરપકડ કરવામાં આવી હતી. એટલું જ નહીં સુરત ક્રાઈમ બ્રાન્ચની તપાસમાં અનેક મોટા નામો સામે આવી શકે છે તેવી ચર્ચા છે. ચર્ચામાં ભાજપના એક મોટા નેતાનું નામ પણ લેવામાં આવી રહ્યું છે. ત્યારે હવે સી.આર.પાટીલના ભરોસાપાત્ર ગણાતા પ્રદીપ વાઘેલાના રાજીનામાને લઈને અનેક રીતે અટકળો થવા લાગી છે.


ગુજરાત ભાજપમાં પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ પછી પ્રદીપસિંહ વાઘેલા સૌથી શક્તિશાળી નેતા ગણાતા હતા. તાજેતરમાં ભાજપના પ્રદેશ પ્રમુખ બદલવાની ચર્ચા હતી, ત્યારે વાઘેલાને પ્રબળ દાવેદાર તરીકે જોવામાં આવી રહ્યા હતા. ગુજરાતના અમદાવાદ જિલ્લાના બકરાણા ગામના વતની ક્ષત્રિય નેતા વાઘેલાએ ખૂબ જ ઝડપથી ભાજપમાં પોતાનું સ્થાન બનાવ્યું છે. ગુજરાત યુનિવર્સિટીમાં અભ્યાસ દરમિયાન, તેમણે એબીવીપી દ્વારા રાજકારણમાં પ્રવેશ કર્યો અને 2003માં વિદ્યાર્થી સંઘની ચૂંટણી જીતી. આ પછી, તેઓ બે વખત ભાજપ યુવા મોરચાના પ્રદેશ અધ્યક્ષ હતા અને ત્યારબાદ વાઘેલા જીતુ બઘાણીની ટીમમાં પ્રદેશ સચિવ હતા.


2020માં પ્રદીપ વાઘેલાનું રાજકીય કદ વધ્યું, જ્યારે સીઆર પાટીલને પ્રદેશ પ્રમુખની કમાન મળી. પાટીલે તેમની ટીમમાં રજની પટેલ, ભાર્ગવ ભટ્ટ, વિનોદ ચાવડા અને પ્રદીપ વાઘેલાને જનરલ સેક્રેટરી તરીકે નિયુક્ત કર્યા હતા, જેમાંથી વાઘેલા સૌથી શક્તિશાળી માનવામાં આવતા હતા. અગાઉ એપ્રિલમાં ભાર્ગવ ભટ્ટને ટોચના નેતૃત્વ દ્વારા મહામંત્રી પદેથી હટાવી દેવામાં આવ્યા હતા અને હવે પ્રદીપસિંહ વાઘેલાએ રાજીનામું આપી દીધું છે. હાલ ભાજપના પ્રદેશ સંગઠનમાં માત્ર બે મહામંત્રીઓ જ બચ્યા છે.