સુરત: IITમાં અભ્યાસ કરનાર વિદ્યાર્થીએ સુરતમાં લૂંટનો પ્લાન બનાવી એક કિલો સોનાની લૂંટ કરી છે. સુરતમાં બિલ વગરનું 65 લાખનું સોનું વેચવા જતાં જ્વેલર્સને ભારે પડ્યું હતું. ઇન્દોરના 4 યુવકોની વડોદરા હાઇવેથી ધરપકડ કરાઈ છે. રૂપિયા કમાવવા માટે ચારેય આરોપીઓએ શોર્ટ કટ લીધો હતો.
સુરત શહેરના ભટાર કાપડિયા હેલ્થ ક્લબ પાસે ઘોળે દિવસે 3 બદમાશોએ 1 કિલો સોનાના બિસ્કિટ જેની કિંમક રૂપિયા 65 લાખ થાય છે તેની લૂંટ કરી કારમાં ભાગી ગયા હતા. આ લૂંટમાં ક્રાઇમબ્રાંચે દેવેન્દ્ર નરવરિયા, સૌરભ વર્મા, મોહિત વર્મા અને પિયુષ યાદવને વડોદરા હાઇવે પરથી પકડી પાડી તમામ મુદામાલ કબજે કર્યો છે. આ આખા મામલામાં એક આઈઆઈટીમાં અભ્યાસ કરનાર યુવકનો પણ સમાવેશ થાય છે.
શું હતી ઘટના ?
ગત 30 મેના રોજ ભટાર કાપડિયા હેલ્થ ક્લબ પાસે આવેલા જ્વેલર્સના માલિકે બે કર્મચારીઓને 100 ગ્રામના સોનાના 10 બિસ્કિટ આપવા મોકલ્યા હતા. કારના નંબર આધારે કર્મચારીએ મદનલાલ શાહનું નામ આપ્યું હતું, પરંતુ તેઓ એક મહિલા સાથે બહાર ઊભા હતા. આ દરમિયાન કારમાં બેઠેલા શખ્સે સોનાના બિસ્કિટ ચેક કરી, ચેક આપવાની વાત કરી હતી. કર્મચારીએ ચેક લેવાની ના પાડી કર્મચારી પણ કારમાં બેસી ગયો હતો. એટલામાં બીજા એક શખ્સે આવી કર્મચારીને ધક્કો મારી સોનાની લૂંટ ચલાવી ત્રણેય યુવકો ભાગી છૂટ્યા હતા.
કર્મચારીએ તાત્કાલિક માલિકને જાણ કરતાં માલિકે દોડી આવી પોલીસને જાણ કરી હતી. ઘોડદોડ રોડના પોદ્દાર આર્કડમાં સોનલ જ્વેલર્સના માલિક સંજય જૈનની ભટારમાં રહેતા મદનલાલ શાહ સાથે મિત્રતા છે. બનાવ અંગે જ્વેલર્સની દુકાનના સેલ્સમેન રાજેશ હીરાલાલ શાહે ખટોદરા પોલીસમાં ફરિયાદ આપી હતી. જેથી ક્રાઈમબ્રાંચની અલગ- અલગ ટીમો તેમજ ખટોદરા પોલીસ સ્ટેશની ટીમો વર્ક આઉટમાં હતી.
આ દરમ્યાન ખટોદરા પોલીસ તેમજ ક્રાઈમ બ્રાંચની ટીમને ટેકનિકલ તેમજ હ્યુમન ઇન્ટેલીજન્સના આધારે આધારભુત હકીકત મળી હતી કે લૂંટને અંજામ આપનાર ઈસમો મધ્યપ્રદેશ ઈંદોરના છે અને પોતાની ફોર-વ્હિલર કાર MP09ZN9738 લઈ કરજણ-વડોદરા થઈ મધ્યપ્રદેશ તરફ રવાના થયા છે. પોલીસે વડોદરા ગ્રામ્યની વરણામા પોલીસની મદદથી એક સંયુક્ત ઓપરેશન પાર પાડી વરણામા ખાતેથી ચાર આરોપીઓને 10 નંગ સોનાના બિસ્કિટ વજન 1 કિલો કિ.રૂ 65,00,000/- તેમજ સ્વીફ્ટ ડીઝાયર કાર અને 03 મોબાઈલ સાથે ઝડપી પાડયા હતા.
પકડાયેલા આરોપીઓના નામ
દેવેન્દ્ર કૈલાશ નરવરીયા ઉવ. 29
મોહીત રાઘવેન્દ્ર વર્મા ઉવ. 21
સૌરભ મુકેશ વર્મા ઉવ.20
પિયુષ મોહનલાલ યાદવ ઉવ. 22
આરોપીઓ મોહીત વર્માએ પોલીસની પૂછપરછમાં જણાવ્યું હતું કે આજથી આશરે છ મહીના પહેલા ઇન્દોરની રહેવાસી વર્ષા પવારે જણાવ્યું હતું કે, સુરતમાં પોતાના ઓળખીતા છે તેમની પાસે બીલ વગરનુ ગોલ્ડ છે. તેઓનુ ગોલ્ડ કમીશનથી તેઓ વેચનાર છે. જો તમારી પાસે કોઇ બીલ વગરનુ ગોલ્ડ ખરીદનાર કસ્ટમર હોય તો ગોલ્ડ વેચાવી આપજો.
મોહિત આઈઆઈટીમાં અભ્યાસ કરતો હતો. જોકે પરિવારની સ્થિતિને જોતા અભ્યાસ છોડી દીધી હતો. મોહીતના માતા પિતા ગુજરી ગયા બાદમાં ઘરમાં કમાનાર માત્ર પોતે એકલો જ હતો અને ભાઇ અને બહેનની સ્કુલ કોલેજની ફી માટેના પૈસા પણ ભરી શકતો ન હતો અને આર્થીક તંગીના કારણે પોતે કંટાળી ગયો હતો. આ દરમ્યાન પાચેક દીવસ અગાઉ વર્ષા પવારનો ફોન આવતા ગોલ્ડ વેચાણ બાબતે જણાવતા પોતે નક્કી કરેલ કે મીત્રો સાથે સુરત જઇ સુરતનો જે ઇસમ ગોલ્ડ બતાવવા આવશે ત્યારે તેનુ ગોલ્ડ ચકાસવાના બહાને ગોલ્ડની લુંટ કરી ત્યાથી નાશી જવાનુ અને ઇન્દોરમા સોનુ વેચી જે કઇ મળે તે સરખે હીસ્સે વહેંચી લઇશુ.
લૂંટનો પ્લાન મનોમન નક્કી કર્યો અને તા. 29 મેના રોજ રાત્રે ચારેય મીત્રો તથા વર્ષા પવારને સાથે લઇ ઇન્દોરથી ગોલ્ડ ખરીદવાના બહાને સુરત આવવા નીકળ્યા હતા. જ્વેલર્સ સામે પણ કાર્યવાહીની શક્યતા છે. પોલીસ કમિશનર અજય તોમરે જણાવ્યું હતું કે, વર્ષા નામની મહિલાની પૂછપરછ ચાલી રહી છે. જો તેની આ લૂંટમાં સંડોવણી જણાશે તો તેની સામે પણ કાર્યવાહી થશે. હાલ તો આ મહિલાની લૂંટમાં કોઈ સંડોવણી સામે આવી નથી. આ સાથે જ જ્વેલર્સે પણ બિલ વગરનું સોનું વેચવાનો પ્રયાસ કરતા તેને લઈને પણ એજન્સીઓને જાણ કરી દેવામાં આવી છે.