સુરત: ગુરુવારે કાશ્મીરના પુલવામામાં થયેલા આતંકી હુમલામાં 40 જવાનો શહીદ થયા છે. લોકોમાં આતંકી હુમલાને પગલેને ગુસ્સો જોવા મળી રહ્યો છે. શહીદોને શ્રદ્ધાંજલી આપવામાં આવી રહી છે. તેમાં સુરતના એક હીરા વેપારીએ શહીદ જવાનોને શ્રદ્ધાંજલી અંતર્ગત પુત્રીના લગ્નના ભોજન સમારંભ સહિતના તમામ કાર્યક્રમ રદ કરી સાદાઈથી કરાવવાનો નિર્ણય કર્યો હોવાની એક પત્રિકા સોશિયલ મીડિયામાં વાઈરલ થઈ છે.



પરંતુ અત્યાર સુધી આ અંગે કોઈ સત્તાવાર જાણકારી મળી નથી. જોકે આ નિર્ણયને લોકોએ આવકાર્યો છે અને સુરતમાંથી શહીદો માટે સહાયનો ધોધ કરવામાં આવ્યો છે. સોશિયલ મીડિયામાં વાઈરલ થયેલી પત્રિકામાં લખવામાં આવ્યું છે કે, અમારી પુત્રીના શુભ વિવાહ નિર્ધાયા છે. પરંતું કાશ્મીરમાં થયેલા ઘોર આતંકવાદી હુમલામાં દેશના 40 જવાનો શહીદ થતાં અમે બંને વેવાઈ પક્ષોએ પરસ્પર સમંતિથી લગ્ન સંપૂર્ણ સાદાઈથી કરવાનું નક્કી કરેલ છે.



આ ઉપરાંત જાહેર ભોજન સમારંભ રદ કરી શહીદોની સ્મૃતિમાં સેવા સંસ્થાઓને પાંચ લાખ અને શહીદ પરિવારને સંયુક્ત રીતે 11 લાખ આપવાનું નિર્ધારીત કર્યું છે. આ લગ્નમાં કેટરર્સ દ્વાર પણ સહકાર આપવામાં આવ્યો છે. આગામી રવિવારે સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ દ્વારા યોજાનાર 261 યુગલોના સમૂહલગ્ન યોજાનાર છે.



સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજના આગેવાનો જણાવ્યું હતું કે, પાલવામામાં થયેલો આંતકી હુમલો નિંદનીય છે. સમગ્ર દેશની લોકોની લાગણી શહીદો સાથે છે. સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ દ્વારા યોજાનાર સમૂહલગ્નમાં લગ્નની વિધિ શરૂ થયા પહેલા શહીદોને મૌન પાળીને શ્રદ્ધાંજલી આપવામાં આવી છે અને આ સમૂહલગ્નમાં આવનાર ચાંદલાની રકમ શહીદોના પરિવારને અર્પણ કરવામાં આવશે.