Rahul Gandhi News: સુરતની સેશન્સ કોર્ટ માનહાનિ કેસમાં બે વર્ષની સજા ફટકાર્યાના  11 દિવસ બાદ રાહુલ ગાંધી ફરી સુરત આવ્યા. રાહુલ ગાંધી અને તેની લીગલ ટીમે સુરત કોર્ટમાં અપીલ કરી.  રાહુલ ગાંધીને સજા અને દોષ પર સ્ટેની અરજી પર 13 એપ્રિલના રોજ સુનાવણી થશે, જ્યારે નીચલી અદાલતના નિર્ણય સામેની અપીલ પર 3 મેના રોજ સુનાવણી થશે. રાહુલ ગાંધીની સાથે બહેન પ્રિયંકા ગાંધી પણ આવ્યા હતા. સુરતમાં રાહુલ ગાંધીના આગમનને લઈ ચાંપતો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો.   સજા બાદ કોર્ટે રાહુલ ગાંધી 1 મહિના માટે જામીન આપ્યા હતા. આ એક મહિનાના સમયગાળા દરમિયાન સજાની રોક માટે અપીલ કરવાની હતી.


વકીલના કહેવા મુજબ અગામી સુનાવણી એટલે કે 13 એપ્રીલના રોજ રાહુલ ગાંધીએ ફરી કોર્ટમાં હાજરી આપવી જરૂરી નથી. આ કેસના સામેના પક્ષકારો ફરિયાદી તથા સરકારી વકીલને નોટીસ ઈસ્યુ કરી વધુ સુનાવણી તા.3 મે સુધી મોકુફ રાખી છે. આજે રાહુલ ગાંધીની સાથે કોંગ્રેસના છત્તીસગઢના મુખ્યમંત્રી ભૂપેશ બઘેલ ,રાજસ્થાન અશોક ગહેલોત તથા હિમાચલ પ્રદેશના સીએમ સુખવિંદર સુક્કુ આજે સુરત કોર્ટમાં હાજર રહ્યા હતા. તદુપરાંત   પ્રિયંકા ગાંધી સહિત રાહુલ ગાંધી પોતાની લીગલ ટીમને લઈને આજે બપોરે  3 કલાકે સુરત કોર્ટમાં માનહાનિના કેસમાં નીચલી કોર્ટના સજાના હુકમ સામે આપેલ દાખલ કરી હતી. જેની સુનાવણી કોર્ટે આગામી  3જી મે સુધી મુલતવી રાખી છે. કોર્ટે  રાહુલ ગાંધીને સજાના હુકમ પર સ્ટે મુદ્દે નવેસરથી શરતી જામીન પર મુક્ત કરતો હુકમ કર્યો છે. આજે પણ કોર્ટ સંકુલની બહાર કોગ્રેસના અગ્રણી સ્થાનિક,પ્રાદેશિક અને રાષ્ટ્રીય નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા.






દેશની સ્વાયત્ત સંસ્થાઓ પર દબાણ ઉભુ કરવામાં આવે છે: અશોક ગેહલોત


રાહુલ ગાંધીની સુરત મુલાકાત અંગે રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતે કહ્યું, દેશની સ્વાયત્ત સંસ્થાઓ પર દબાણ ઉભુ કરવામાં આવે છે. ED અને CBIનો દુરુપયોગ કરવામાં આવી રહ્યો છે. રાહુલ ગાંધીને માફી માંગવા નારે બાજી કરવામાં આવે છે. રાહુલ ગાંધીને ત્યાં દિલ્હીમાં પોલીસ ઘૂસી ગઈ, આવી મજાક મે ક્યારેય નથી જોઈ, સીબીઆઇના અધિકારીએ પણ ભૂતકાળમાં અમિત શાહને કહ્યું હતું કે આપ મોદીજીનું નામ આપો તમને છોડી દઈશું. આ ઉપરાંત તેમણે કહ્યું, દિલ્હી પોલીસ શું એ અધિકારીનું નામ જાણવાનો પ્રયાસ કરશે, ઈન્દીરા ગાંધી સાથે પણ આવો વ્યવહાર સંસદમાં કરવામાં આવ્યો હતો, મહારાષ્ટ્ર, ભરૂચ, વડોદરાથી આવનારા લોકોની અટકાયત કરવામાં આવી રહી છે, કોંગ્રેસ સત્યાગ્રહ એટલે કે સત્ય માટે આગ્રહ કરી રહી છે, આવી રીતે અટકાયત કરવાની રીત લોકો પસંદ નહિ કરે. લોકશાહીનું મુખોટું પહેરીને સત્તામાં આવેલા લોકો OBCનું અપમાન કાર્યની વાત કરી રહ્યા છે. અમે ઓબીસીમાંથી આવીએ છીએ, રાજસ્થાનમાં હું એકમાત્ર ઓબીસીનો ધારાસભ્ય છું અને મને કોંગ્રેસે મુખ્યમંત્રી બનાવ્યો.






સુરત જિલ્લા કોંગ્રેસ મહિલા પ્રમુખ સ્વાતિ પટેલ નજર કેદ કરાઈ 



સુરત સેશન્સ કોર્ટે ફટકારેલી સજા સામે અપીલ કરવા રાહુલ ગાંધી સુરત આવી રહ્યા છે. આ પહેલા સુરત જિલ્લા કોંગ્રેસ મહિલા પ્રમુખ સ્વાતિ પટેલને બારડોલીમાં નજરકેદ કરાયા છે. સ્વાતિ પટેલ બારડોલી થી સુરત આવવાના હતા. સ્વાતિ પટેલે કહ્યું, આ લોકશાહી તેમજ વ્યક્તિ સ્વત્રંતા પર તરાપ  છે. અમે વિરોધ  કે આંદોલન  માટે ભેગા થવાના નથી, અમારા નેતાના સમર્થનમાં એમનો જુસ્સો વધારવા એકત્ર થવાના હતા. આ રીતે નજરકેદ કરીને આ તાનાશાહી સરકાર ખોટું કરી  રહી છે.


ભાજપનો ગ્રાફ નીચે જઈ રહ્યો હોવાથી રાહુલ ગાંધીને દબાવવા પ્રયત્ન થઇ રહ્યો છે ઃ ભરતસિંહ સોલંકી



ભરતસિંહ સોલંકીએ કહ્યું, રાહુલ ગાંધી કોર્ટમાં આવી રહ્યા છે ત્યારે તેમના સમર્થકો પર દમન થઇ રહ્યું છે. દેશમાં  અંધારું થઇ જવાનું હોય એવું વર્તન થઇ રહ્યું છે, ભાજપ કાનૂની લડત થકી રાજકીય લડત લડી રહ્યું છે. ભાજપનો ગ્રાફ નીચે જઈ રહ્યો હોવાથી રાહુલ ગાંધીને દબાવવા પ્રયત્ન થઇ રહ્યો છે. લોકોમાં ધીરીધીરે જન આંદોલન ઉભું થઇ રહ્યું છે. જનઆંદોલનનો પહેલો પડઘો કર્ણાટક ચૂંટણીમાં જોવા મળશે.