સુરતઃ કોર્ટમાં મુદતને લઈ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી આજે સુરત પહોંચ્યા હતા. દરેક ચોરની અટક મોદી કેમ હોય છે. આ વિવાદાસ્પદ નિવેદનને લઈ ધારાસભ્ય પૂર્ણેશ મોદીએ કોર્ટમાં માનહાનિનો કેસ દાખલ કર્યો હતો. આ કેસની તારીખ હોવાથી કોર્ટમાં હાજર થવા માટે રાહુલ સુરત આવ્યા હતા. કોર્ટમાં અંદાજે એક કલાક હાજરી આપ્યા બાદ સીધા જ એરપોર્ટ જવા રવાના થયા છે.
સુરત કોર્ટમાં આજે નામદાર કોર્ટ દ્વારા પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા તેના જવાબમાં રાહુલ ગાંધી જણાવ્યું હતું કે મને ખબર નથી..મને ખબર નથી... સુરત એરપોર્ટ થી લઈ કોર્ટ સુધી રાહુલ ગાંધી માટે સુરતમાં પોલીસ-બંદોબસ્ત ગોઠવી દેવાયો હતો.
સુરત એરપોર્ટ પર ગુજરાત કોંગ્રેસના અગ્રણીઓએ રાહુલ ગાંધીનું સ્વાગત કર્યું હતું. બાદમાં સુરત કોર્ટ રાહુલ ગાંધી પહોંચ્યા હતાં. કોર્ટમાં 1 કલાક સુધી રાહુલ ગાંધી રહ્યા હતા જે તેમનું વધારાનું સ્ટેટમેન્ટ લેવાયુ હતું.રાહુલ ગાંધી કોર્ટ માં હાજર થયા હતા ત્યારે કોંગ્રેસ ના અમિત ચાવડા, હાર્દિક પટેલ, શક્તિસિંહ ગોહિલ,અર્જુન મોઢવાડીયા,ભરતસિંહ સોલંકી સહિતના કોંગ્રેસના નેતાઓએ રાહુલ ગાંધીનું સ્વાગત કર્યું હતું, સાથે જ એરપોર્ટ પર પહોંચેલા રાહુલ ગાંધીને વકીલોએ પણ કેસની વિગતો આપીને બ્રિફ કર્યા હતા.
સમગ્ર વિવાદ કર્ણાટકની જાહેર સભાથી શરૂ થયો હતો. રાહુલ ગાંધી દ્વારા મોદી સમાજને લઈને કરેલી ટિપ્પણીને કારણે તેમની સામે મોદી સમાજ દ્વારા કોર્ટમાં કેસ દાખલ કરવામાં આવ્યો હતો. રાહુલ ગાંધીએ જાહેર સભામાં તમામ મોદી ચોર હોવાની ટિપ્પણી કરી હતી, જેમાં તેમણે નીરવ મોદી, લલિત મોદી સહિતનાં નામો લઇને વડાપ્રધાન નરેન્દ્ર મોદીને કૌભાંડી અને ભ્રષ્ટાચારી ગણાવ્યા હતા, જેને લઇને સુરતના ધારાસભ્ય પૂર્ણેશ મોદીએ કોર્ટમાં કેસ દાખલ કર્યો હતો. પૂર્ણેશ મોદીના કહેવા પ્રમાણે, સમગ્ર મોદી સમાજને ચોર કહેતાં સમાજની લાગણી દુભાય છે.
જોકે આ મામલે સુરત કોર્ટ માં કેસ કરનારા ધારાસભ્ય પૂર્ણેશ મોદીએ કહ્યું હતું કે તત્કાલીન કોંગ્રેસપ્રમુખ રાહુલ ગાંધીએ અમારા સમાજને ચોર કહ્યો હતો. ચૂંટણીની સભામાં અમારા પર આક્ષેપ કર્યા હતા, જેથી અમારી અને સમાજની લાગણી દુભાતાં કોર્ટમાં કેસ કર્યો હતો. આ કેસ અમે અંતિમ શ્વાસ સુધી લડશું. અમને ન્યાયતંત્ર પર પૂરો ભરોસો છે.
બીજી તરફ અમિત ચાવડાએ જણાવ્યું હતું કે, દેશના સામાન્ય જનતાની અવાજ બનતા લોક નેતા રાહુલ ગાંધીને હેરાન પરેશાન કરવા માટે ખોટા માનહાનિના કેસો કરવામાં આવ્યા, એના ભાગ સ્વરૂપે ચાલતા કેસમાં કોર્ટ સમક્ષ ઉપસ્થિત રહે તેવી શકયતા છે. સમગ્ર કોંગ્રેસ સમિતિ સત્ય, ધર્મની લડાઈ માટે રાહુલ ગાંધી જે સંઘર્ષ કરી રહ્યા છે
સુરત પશ્ચિમના ધારાસભ્ય પૂર્ણેશ મોદીએ રાહુલ ગાંધી સામે માનહાનિનો કેસ કર્યો હતો. જે સંદર્ભે અગાઉ રાહુલ ગાંધી ઓક્ટોબર, 2019માં કોર્ટમાં હાજર રહ્યા હતા. બાદમાં વધારાનું સ્ટેટમેન્ટ લેવા માટે રાહુલ ગાંધી કોર્ટમાં હાજર રહ્યાં. ફરિયાદ પક્ષની સાક્ષી ચકાસવાનો સ્ટેજ પુરો થયો હતો જેની સામે હાઇકોર્ટમાં અરજી કરાઈ હતી. જો કે તે અંગે કોઇ હુકમ ન આવતા રાહુલ ગાંધીનો જવાબ નોંધવાનો સ્ટેજ આવી ગયો હતો.જોકે આજે વધારા નું નિવેદન લેવાયા બાદ વધુ મુદત આપવામાં આવી હતી. આગામી 12 મી જુલાઈ ના રોજ વધુ સુનાવણી હાથ ધરવામાં આવશે.ફરિયાદી પક્ષ અને બચાવપક્ષ ના વકીલે આ બાબતે માહિતી આપી હતી.