SURAT : રાજસ્થાનના CM  અશોક ગેહલોત આવતીકાલે 16ઓગષ્ટે સુરતમાં આવશે. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતી દ્વારા આવનારી વિધાનસભાની ચૂંટણી અંતર્ગત "મારું બુથ- મારું ગૌરવ"  કાર્યક્રમ અંતર્ગત બેઠક  યોજવામાં આવી રહી છે. આ બેઠકમાં  ગુજરાત કોંગ્રેસના નિરીક્ષક CM  અશોક ગેહલોત ભાગ લેશે અને દક્ષિણ ગુજરાતનાં મહત્વના આગેવાનો સાથે મહત્વની બેઠક કરશે. 


સુરત શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા  સવારે 11.30 કલાકે બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં રાજસ્થાનનાં મુખ્યમંત્રી અશોક ગેહલોત ગુજરાત પ્રદેશ કોંગ્રેસનાં પ્રભારી ડો.રઘુ શર્માજી, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ જગદીશભાઈ ઠાકોર, ગુજરાત વિધાનસભાના વિરોધ પક્ષના નેતા સુખરામ ભાઈ રાઠવા ખાસ ઉપસ્થિત રહેશે


ગુજરાત કોંગ્રેસના મુખ્ય નિરીક્ષક અશોક ગેહલોત ત્રણ દિવસના ગુજરાત પ્રવાસે
ગુજરાત કોંગ્રેસના મુખ્ય નિરીક્ષક તેમજ રાજસ્થાનના મુખ્યપ્રધાન  અશોક ગેહલોત ત્રણ દિવસના ગુજરાત પ્રવાસે આવશે. અશોક ગેહલોત 16 ઓગસ્ટના રોજ રાજસ્થાનથી સીધા સુરત આવશે. સુરતમાં દક્ષિણ ગુજરાતના કોંગ્રેસના આગેવાનો સાથે બેઠક કરશે. 16 તારીખે બપોર પછી તેઓ રાજકોટ પહોંચશે. રાજકોટમાં સૌરાષ્ટ્ર ઝોનના કોંગ્રેસના આગેવાનો સાથે ચર્ચા કરશે અને 16 મી ઓગસ્ટે રાત્રે વડોદરા પહોંચશે.


17 મી તારીખે અશોક ગેહલોત મધ્ય ગુજરાતના કોંગ્રેસના આગેવાનો સાથે ચર્ચા કરશે. 17 મી તારીખે બપોર બાદ તેઓ અમદાવાદ પહોંચશે. અમદાવાદમાં ઉત્તર ગુજરાતના કોંગ્રેસના આગેવાનો સાથે ચર્ચા કરશે. 18 મી તારીખે અમદાવાદમાં તેઓ પ્રેસ કોન્ફરન્સ કરશે અને ચૂંટણી ઢંઢેરા માટે ગુજરાત કોંગ્રેસના આગેવાનો સાથે ચર્ચા કરશે. આ સાથે તેઓ ગુજરાત વિધાનસભાની ચૂંટણીના ડિજિટલ પ્રચારની શરૂઆત કરાવશે. 


કોંગ્રેસે અશોક ગેહલોતને આપી મોટી જવાબદારી 
આ વર્ષના અંતમાં યોજાનારી ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે કોંગ્રેસે અશોક ગેહલોતને સિનિયર ઑબઝર્વર તરીકે નિયુક્ત કર્યા છે. આ સિવાય છત્તીસગઢના સીએમ ભૂપેશ બઘેલને હિમાચલ પ્રદેશના વરિષ્ઠ નિરીક્ષકની જવાબદારી સોંપવામાં આવી છે. આ સિવાય સંતુલન જાળવીને રાજસ્થાનના વરિષ્ઠ નેતા સચિન પાયલટને હિમાચલ પ્રદેશના નિરીક્ષક બનાવવામાં આવ્યા છે. તેઓ ભૂપેશ બઘેલ સાથે મળીને પાડોશી રાજ્યમાં પાર્ટીની ચૂંટણી તૈયારીઓ પર નજર રાખશે. તેમના સિવાય છત્તીસગઢના નેતાઓ ટીએસ સિંહ દેવ અને મિલિંદ દેવરાને નિરીક્ષક તરીકે ગુજરાતમાં મોકલવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.