સુરત: રાજ્યમાં વરસાદે વિરામ લીધ છે પરંતુ હવે લોકો પર એક નવી મુસિબત સામે આવી છે. ચોમાસા બાદ હવે રોગચાળાએ ભરડો લીધો છે. ખાસ કરીને ડેન્ગ્યુના કેસોમાં નોંધપાત્ર વધારો થયો છે. આજે સુરત પાલિકા સંચાલિત સ્મીમેરના રેસિડેન્ટ તબીબનું ડેન્ગ્યુના કારણે મોત થતા ચકચાર મચી જવા પામી છે. મૃતક મહિલા ડોક્ટરનું નામ ધારા ચાવડા હતું.
આ અંગે સ્મીમેર હોસ્પિટલના મેડિકલ સુપ્રિન્ટેન્ડન્ટ ડો. જીતેન્દ્ર દર્શને એક નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે, ડો.ધારા ચાવડાને ડેન્ગ્યુ થયો હતો. ડેન્ગ્યુના કારણે સૌ પ્રથમ સ્મીમેર હોસ્પિટલમાં દાખલ કરાઈ હતી. જ્યાં હોસ્ટેલમાં રહી તેણી સારવાર લઇ રહી હતી. જે બાદ વધુ સારવાર અર્થે પરિવારજનો ખાનગી હોસ્પિટલ લઈ ગયા હતા. ડેન્ગ્યુના કારણે મહિલા રેસિડેન્ટ તબીબને લીવર,મગજ અને હાર્ટ પર વધુ ગંભીર અસર થઈ હતી. ખાનગી હોસ્પિટલમાં મહિલા તબીબનું સારવાર દરમ્યાન મોત નિપજ્યું હતું.
ઘટનાને લઈ સ્મીમેર સાફ સફાઈની કામગીરી સઘન કરવામાં આવી છે. હોસ્ટેલ સહિતના સ્થળોનો રાઉન્ડ લેવામાં આવ્યો છે. આસપાસ કન્સ્ટ્રકશન સાઇટ હોવાથી વાહક જાળા અને મચ્છર જન્ય રોગોની શકયતા છે. જેથી સ્મીમેર હોસ્પિટલ અને કેમ્પસમાં દવા છંટકાવ સહિત સાફસફાઈની કામગીરી કરાઈ છે.
આ લક્ષણો દેખાય તો સાવધાન થઈ જાવ
નિષ્ણાંતોનું કહેવું છે કે ડેંગ્યુ મચ્છર કરડ્યાના એક અઠવાડિયામાં દર્દીના શરીરમાં ડેંગ્યુના લક્ષણો દેખાવા લાગે છે. તેથી તેની ઓળખ કરવી મહત્વપૂર્ણ છે. જો કે, નિષ્ણાતો કહે છે કે ડેંગ્યુના લક્ષણો એકસરખા હોતા નથી અને કેટલીકવાર દર્દીઓમાં તે અલગ રીતે દેખાય છે.
ડેંગ્યુના કિસ્સામાં દર્દીને ખૂબ જ તાવ આવે છે. આ તાવ ત્રણથી ચાર દિવસ સુધી રહે છે અને જ્યારે આવું થાય ત્યારે દર્દીને ડૉક્ટર પાસે લઈ જવો જોઈએ. વધુ તાવની સાથે ડેંગ્યુના દર્દીઓને માથાનો દુખાવો પણ થાય છે. દર્દીઓને આંખોની નજીક પીડા થાય છે. તેઓને આંખો ખોલવામાં પણ તકલીફ થાય છે.
ડેંગ્યુના તાવના થોડા દિવસો પહેલા દર્દીના શરીર પર લાલ ચકામા અથવા ગુલાબી ધબ્બા દેખાવા લાગે છે. પ્રથમ તેઓ પેટ અને પીઠથી શરૂ થાય છે અને પછી આખા શરીરમાં ફેલાય છે. આ ફોલ્લીઓમાં ખંજવાળ આવે છે અને બળતરા પણ થાય છે. ડેંગ્યુના પ્રારંભિક લક્ષણોમાં હાડકામાં દુખાવો પણ સામેલ છે. હાડકાંની સાથે-સાથે સ્નાયુઓમાં પણ ઘણો દુખાવો થાય છે. જો દર્દી તાવની સાથે નબળાઈ અને થાક અનુભવતો હોય તો તે ડેંગ્યુનું લક્ષણ છે. આ સમયગાળા દરમિયાન પ્લેટલેટ્સ ઘટવાને કારણે દર્દીની રોગપ્રતિકારક શક્તિ ઓછી થાય છે અને તે ખૂબ જ થાક અને નબળાઇ અનુભવે છે.જો ડેંગ્યુના તાવની વચ્ચે દર્દીના નાક કે પેઢામાંથી લોહી નીકળવા લાગે તો સમજવું કે ડેંગ્યુ જીવલેણ બની રહ્યો છે.
આ પણ વાંચો...