સુરતઃ બુધવારે સુરતના ડુમસમાં રસ્તા પર સોનાના સિક્કા પડેલા મળી રહ્યા હોવાના સમાચાર ફેલાતાં મોટી સંખ્યામાં લોકો સોનાના સિક્કા શોધવા નિકળ્યા હતા. તેમને ચતુષ્કોણ આકારના પીળા ધાતુના સિક્કા મળી આવ્યા હતા પણ આ સિક્કા પિત્તળના હોવાનું સાબિત થયું છે.


જો કે લોકો ગુરુવારે સવારે પણ સોનું શોધવા માટે મોટી સંખ્યામાં નિકળ પડ્યા હતા. દરમિયાનમાં લોકોને પોટલી ભરીને સિક્કા મળી રહ્યા હોવાની અફવા વહેતી થઈ હતી તેથી લોકો વધારે ને વધારે પ્રમાણમાં નિકળી પડ્યા હતા. પોલીસે આ સિક્કાની ચકાસણી કરાવતાં તે નકલી અને બાળકોને રમવા માટેના પતરાંના સિક્કા હોવાનું બહાર આવ્યું છે.

પોલીસે આપેલી માહિતી પ્રમાણે ડુમસ કાજી ફળિયાથી એરપોર્ટ તરફ જતા રોડ અને ઝાડીઓમાં સોનાના સિક્કા મળી રહ્યા હોવાના સમાચાર વહેતા થતાં બુધવાર રાતથી જ સોનું શોધવા માટે લોકો ઉમટી પડ્યા હતા. કેટલાંક લોકોને ચતુષ્કોણ આકારના પીળા ધાતુના સિક્કા મળી આવતાં ગુરુવારે સવારે પણ સોનું શોધવા માટે મોટી સંખ્યામાં લોકો દોડી આવ્યા હતા. પોલીસે સોની પાસે ચકાસણી કરાવતાં તે નકલી અને બાળકોને રમવા માટેના પતરાંના સિક્કા હોવાનું બહાર આવ્યું છે.

ઇન્સપેક્ટર રાહુલ પટેલે જણાવ્યું હતું કે સોની દ્વારા તેને ઘસીને ચેક કરવામાં આવ્યા ત્યારે આ સિક્કા કાળા પડી ગયા હતા. તે સોનું નહિ પરંતુ પતરું નીકળ્યું હતું. તેની ઉપરની ડિઝાઇન જોતાં તે સાઉદીમાં બાળકોને રમવા માટેના કોઇન હોઇ શકે. બહારગામથી લાવનાર વ્યક્તિએ તે ફેંકી દીધા હોઇ શકે. જેને લોકો સોનું સમજી બેસતાં સોનું મળ્યાની અફવા ફેલાઇ હતી. પોલીસે હાલ જાણવા જોગ નોંધ કરી છે.