સુરત: વિદ્યાર્થી દ્વારા સમરસ હોસ્ટેલની ગંદકી અને જમવાને લઈ પડતી તકલીફો અંગે ગાંધીનગર જાણ કરવામાં આવતા ખળભળાટ મચી ગયો હતો. હવે સમાજ કલ્યાણ વિભાગ દ્વારા વિદ્યાર્થીને નોટિસ અપાતા રાજકારણ ગરમાયું છે. વિદ્યાર્થીને  સમરસ હોસ્ટેલમાંથી કાઢી મુકવાની નોટિસ અપાતા વિદ્યાર્થીઓમાં રોષ જોવા મળી રહ્યો છે. આ અંગે ABVP દ્વારા પણ કલેક્ટર કચેરી ખાતે વિરોધ પ્રદશન કરવામાં આવ્યું હતું. મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ કલેકટર કચેરીએ ધરણા પર બેઠા હતા. તેમનું કહેવું છે કે, યોગ્ય કાર્યવાહી નહિ થાય ત્યાં સુધી આંદોલન ચાલુ રાખીશું.


ગુજરાતના યુવકનું આફ્રિકામાં અપહરણ


રાજકોટ:  શહેરના યુવાનનું આફ્રિકામાં અપહરણ થયું છે. જે બાદ આફ્રિકન કીડનેપર્સે યુવાનના પિતાને ખંડણી માટે ફોન કર્યો હતો. રૂપિયા દોઢ કરોડની માંગ કરતા યુવાનના પિતાએ રાજકોટ પોલીસ ક્રાઇમ બ્રાન્ચના દ્વાર ખખડાવ્યા હતા. રાજકોટ શહેર પોલીસે આફ્રિકા પોલીસનો સંપર્ક સાધી યુવાનને હેમખેમ છોડાવ્યો હતો. કીડનેપર્સ દ્વારા છેલ્લે રૂપિયા 30 લાખના સેટલમેન્ટ સાથે યુવાનને છોડવા તૈયાર થયા હતા. જો કે, લોકેશનના આધારે આફ્રિકન પોલીસે કીડનેપર્સને રૂપિયા 30 લાખ સાથે દબોચી ગુન્હો દાખલ કર્યો હતો. રાજકોટથી આફ્રિકા ગયેલ યુવાન હેમખેમ વતન પરત ફરતા પરિવારે હાંશકારો અનુભવ્યો હતો. રાજકોટના 80 ફૂટ રોડ પર રહેતા કેયૂર પ્રફુલભાઈ મલ્લીનું અપહરણ થયું હતું. કેયુર આફ્રિક ના જોનીસબર્ગમાં બિઝનેસ ટુર માટે ગયો હતો.


 દેશની સૌથી પ્રદુષિત નદીઓમાં સાબરમતી બીજા સ્થાને


અમદાવાદ: ગુજરાતમાં સાબરમતી-ભાદર સહિત કુલ ૧૩ નદીઓ પ્રદૂષિત હોવાનો અહેવાલ સામે આવ્યો છે. પ્રદૂષણ અટકાવવા કરોડોનો ખર્ચ છતાં સ્થિતિમાં સુધારો જોવા મળ્યો નથી. સાબરમતી નદીમાં રાયસણથી વૌઠા સુધી પટ્ટમાં બાયોકેમિકલ ડિમાન્ડ સૌથી વધુ ચિંતાજનક ૨૯૨ નોંધાઇ. CPCB ના રિપોર્ટ પ્રમાણે સાબરમતી નદી સૌથી પ્રદુષિત નદી સાથે બીજા નંબરે છે. આ મુદ્દે આમ આદમી પાર્ટી ગુજરાત પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીએ પ્રતિક્રિયા આપી છે. Cpcb ના રિપોર્ટ પ્રમાણે સાબરમતી નદી બીજા નંબરની પ્રદુષિત નદી છે. આપણા માટે આ શરમની વાત છે. યમુનાના પ્રદુષણને લઈને અરવિંદ કેજરીવાલને ભાજપ બદનામ કરતું હતું. ખેડુતોના બોર પર મીટર મુકવાની જગ્યાએ સાબરમતીને શુદ્ધ કરવાનો એકશન પ્લાન બનાવો તેવી વાત આમ આદમી પાર્ટીના નેતા ઈસુદાન ગઢવીએ કરી હતી.


 ભાદર ૧ સિંચાઈની નહેરમાં કેમિકલ યુક્ત પાણી અને જમીન પ્રદૂષિત કરવાનો મામલો પણ ગરમાયો છે. ભાદર નદીના પ્રદુષણ અંગે ખુદ રાજકોટ જિલ્લા પંચાયતના શાસક પક્ષના નેતાએ સવાલ ઉઠાવ્યા છે. આ અંગે તેમણે સિંચાઈ મંત્રી કુંવરજી બાવળીયાને પત્ર લખ્યો છે. કેમિકલ માફિયાઓના કારણે ભાદર 1 ડેમની નહેરમાં પાણી પ્રદુષિત હોવાનો આરોપ લગાવવામાં આવ્યો છે. ખેતીના ઉભા પાકને નુકશાન થતું હોવાનો દાવો કરવામાં આવ્યો છે.