સુરતઃ સુરતમાં કોરોનાના વધી રહેલા કેસો વચ્ચે હવે સ્કૂલ સુધી કોરોના પહોંચી ગયો છે. એક ચોંકાવનારી ઘટનામાં  પાલનપુર વિસ્તારની લોર્ડ ક્રિષ્ના સ્કૂલની વિદ્યાર્થિનીને કોરોના થતાં પાલનપુર વિસ્તારની લોર્ડ ક્રિષ્ના સ્કૂલ સાત દિવસ સુધી બંધ રાખવાનો નિર્ણય લેવાયો છે. ચોંકાવનારી વાત એ છે કે, વિદ્યાર્થિનીને કોરોનાનાં કોઈ જ લક્ષણ નહીં હોવા છતાં કોરોના આવ્યો છે. આ ઘટનાના પગલે સ્કૂલના 200 વિદ્યાર્થીઓના ટેસ્ટ કરાયા છે.


બીજી તરફ સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનના રાંદેર અને અઠવા ઝોનમાં પોઝિટિવ કેસ નોંધાવાનો સિલસિલો ચાલુ રહેતાં સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનવું તંત્ર દોડતું થઈ ગયું છે.  સુરત શહેરમાં રાંદેર અને અઠવા ઝોનમાં કોરોના પોઝિટિવ કેસ નોંધાવાનો સિલસિલો જારી છે. ખાસ કરીને બાળકોમાં પોઝિટિવ કેસ આવતાં હોવાથી સ્કૂલોમાં ટેસ્ટિગ કરવામાં આવી રહ્યું છે.


શુક્રવારે પાલનપુર જકાતનાકાની લોર્ડ ક્રિષ્ના સ્કૂલમાં અભ્યાસ કરતી ધોરણ 8ની 13 વર્ષિય વિદ્યાર્થિની પોઝિટિવ આવતાં સ્કૂલને 7 દિવસ બંધ કરાવી દેવાઇ છે. રાંદેર ઝોનની ટીમે સ્કૂલોમાં રૂટિન ટેસ્ટિગ હાથ ધર્યું છે. તેમાં આ એક વિદ્યાર્થિની પોઝિટિવ નોંધાઈ છે. આરોગ્ય વિભાગનું કહેવું હતું કે, 200 વિદ્યાર્થીઓના ટેસ્ટ કરાયા હતાં તેમાં, ધોરણ 8 ની આ વિદ્યાર્થિની પોઝિટિવ નોંધાઈ છે, તેને કોરોનાનાં કોઈ લક્ષણો નથી. એબસિન્ટોમેટિક‌ છે. 


ગુજરાતના આ મોટા શહેરમાં 100 ટકા લોકોને કોરોના રસીનો પ્રથમ ડોઝ અપાયો, સમગ્ર દેશમાં અવ્વલ


વેક્સિનેશનમાં સુરત અવ્વલ. સુરત દેશમાં 100 ટકા પ્રથમ ડોઝનું વેકસીન પૂરું કરનારું શહેર બન્યું છે. જ્યારે 48 ટકા લોકોને બીજો ડોઝ આપવામાં આવ્યો છે. સુરત મહાનગરપાલિકા વેક્સિનેશન મહા અભિયાનને લઈને પહેલાથી જ ખૂબ જ સક્રિય રીતે આયોજન કરવાનું શરૂ રાખ્યું છે. જેને પરિણામે સુરત મહાનગરપાલિકા રાજ્યની અન્ય મોટા મહાનગરપાલિકાની સરખામણીએ સૌથી પહેલા 100 ટકા પ્રથમ ડોઝનું વેક્સિનેશન કરાવવામાં સફળ મળી હતી. હજુ પણ મનપા લોકોમાં જન જાગૃતિ લાવવાના પ્રયાસ કરી રહ્યું છે અને હાલ રોજે રોજ 70 હજાર ડોઝ આપવામાં આવી રહ્યા છે.


ગુજરાતમાં કોરોના કેસ


ગુજરાતમાં ગઈકાલે કોરોનાના નવા 21 કેસ નોંધાયા છે. તો બીજી તરફ 18 દર્દીઓ રિકવર પણ થયા છે. અત્યાર સુધીમાં કુલ 8,15,794 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. તો બીજી તરફ કોરોનાનો રિકવરી રેટ પણ 98.76 ટકાએ પહોંચ્યો છે. રાજ્યમાં ગઈકાલે કોરોના સંક્રમણથી એક વ્યક્તિનું મોત થયું છે. ગઈકાલે  3,33,309 લોકોનું રસીકરણ કરવામાં આવ્યું છે.


જો કોરોનાના એક્ટિવ કેસની વાત કરીએ તો રાજ્યમાં કુલ 182 કેસ છે. જે પૈકી 03 વેન્ટીલેટર પર છે, જ્યારે 179 નાગરિકો સ્ટેબલ છે. 8,15,794 નાગરિકોને ડીસ્ચાર્જ કરવામાં આવ્યા છે. 10084 નાગરિકોનાં અત્યાર સુધીમાં કુલ મોત નિપજ્યાં છે. ગઈકાલે કોરોનાને કારણે એક દર્દીનું મોત થયું હતું. અમદાવાદ કોર્પોરેશનમાં 6, વલસાડમાં 5, સુરત  કોર્પોરેશનમાં 4, સુરતમાં બે, વડોદરા કોર્પોરેશનમાં બે, ખેડામાં એક અને મહેસાણામાં એક કોરોનાનો કેસ નોંધાયો હતો.


રાજ્યમાં રસીકરણની વાત કરવામાં આવે તો રાજ્યમાં હેલ્થકેર વર્કર અને ફ્રન્ટલાઇન વર્કર્સ પૈકી  10 કર્મચારીઓને રસીનો પ્રથમ ડોઝ અને 2947 કર્મચારીને રસીનો બીજો ડોઝ અપાયો હતો. 45 વર્ષથી વધારેની ઉંમરના 28004 નાગરિકોને  રસીનો પ્રથમ અને 61618  નાગરિકોને રસીનો બીજો ડોઝ અપાઇ ચુક્યો છે. 18-45 વર્ષ સુધીના  90644   નાગરિકોને રસીનો પ્રથમ જ્યારે 150086 નાગરિકોને રસીનો બીજો ડોઝ અપાયો હતો. આજના દિવસમાં 3,33,309 કુલ રસીના ડોઝ અપાયા છે. અત્યાર સુધીમાં 6,28,55,962 કુલ રસીના ડોઝ અપાઇ ચુક્યા છે.


અમદાવાદ,  અમરેલી, આણંદ, અરવલ્લી,  બનાસકાંઠા, ભરુચ, ભાવનગર,   ભાવનગર  કોર્પોરેશન,  બોટાદ, છોટા ઉદેપુર, દાહોદ, ડાંગ,  દેવભૂમિ દ્વારકા,  ગાંધીનગર, ગાંધીનગર કોર્પોરેશન,  ગીર સોમનાથ, જામનગર,  જામનગર કોર્પોરેશન, જુનાગઢ, જુનાગઢ કોર્પોરેશન,   કચ્છ,   મહીસાગર,  મોરબી, નર્મદા, નવસારી,    પંચમહાલ, પાટણ,  પોરબંદર, રાજકોટ, રાજકોટ કોર્પોરેશન,    સાબરકાંઠા,  સુરેન્દ્રનગર, તાપી  અને વડોદરામાં એક પણ કોરોના વાયરસનો નવો કેસ નથી નોંધાયો.