Monsoon: મધ્ય ગુજરાતમાં મેઘરાજાએ ધારદાર બેટિંગ કરી છે, એક જ દિવસમાં વરસાદે તાબહીના દ્રશ્યો સર્જયા છે, છેલ્લા 24 કલાકમાં ગુજરાતમાં સૌથી વધુ વરસાદ આણંદ જિલ્લાના બોરસદમાં ખાબક્યો છે. મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં મોટાભાગના ડેમો આવરફ્લો થયા છે. હાલમાં મળતી માહિતી પ્રમાણે, તાપીમાં જોરદાર વરસાદ ખાબકતા ડોસાવાડા ડેમ ઓવરફ્લો થયો છે, જેના કારણે ખેડૂતોમાં ખુશીનો માહોલ પેદા થયો છે. 


રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં ભારે વરસાદ ખાબક્યો છે, અને હજુ પણ આગામી કલાકોમાં હવામાન વિભાગે ભારેથી અતિભારે વરસાદ પડવાની આગાહી કરી છે. દક્ષિણ ગુજરાતમાં તાપી જિલ્લામાં ભારે વરસાદ ખાબક્યો છે, તાપીના સોનગઢ તાલુકા અને ઉપરવાસમાં પડેલા મુશળધાર વરસાદથી સોનગઢનો ડોસાવાડા ડેમ ઓવરફ્લૉ થયો છે. ખાસ વાત છે કે, મહારાજા ગાયકવાડ સમયમાં બનાવાયેલો એટલે કે 112 વર્ષ જૂનો આ ડોસાવાડા ડેમ ફરી એકવાર ઓવરફ્લૉ થતાં ખેડૂતોમાં આનંદ પ્રસર્યો છે. 


ભારે વરસાદ પડતાં તાપીમાંથી પસાર થતી મીંઢોળા નદીમાં નવા નીર આવ્યા છે, પાણીની આવક વધતાં મીંઢોળા નદી પર બનેલા ડોસાવાડા ડેમનું જળસ્તર સતત વધ્યુ છે, હાલમાં ડેમના નયનરમ્ય દ્રશ્યો ડ્રૉન કેમેરામાં કેદ થયા છે. ડોસાવાડા ડેમ ઓવરફ્લૉ થતા આજુબાજુના ત્રણ તાલુકાના ખેડૂતો અને પશુપાલકોમાં ખુશી પ્રસરી છે. વ્યારા, સોનગઢ અને વાલોડ તાલુકાના ખેડૂતો અને પશુપાલકો આ ડેમ ઓવરફ્લૉ થતાં ખુશ થયા છે. જોકે, બીજીબાજુ ડોસાવાડા ડેમના નીચાણવાળા વિસ્તારોમાં આવતા 12થી વધુ ગામને એલર્ટ પણ કરાયા છે. 


ગુજરાતમાં હવામાન વિભાગનું એલર્ટ -


હવામાન વિભાગની (Meteorological Department )આગાહી મુજબ ગુજરાતના ચાર જિલ્લામાં  આજે ભારે વરસાદનું  ( heavy rain અનુમાન છે.    ભાવનગર, સુરત, નવસારી અને વલસાડ જિલ્લામાં આજે ભારેથી અતિભારે વરસાદનું અનુમાન છે. સારા વરસાદની રાહ જોતા ઉત્તર ગુજરાતના ખેડૂતો માટે રાહતના સમાચાર છે. આવતીકાલે સક્રિય થનાર સિસ્ટમના કારણે ઉત્તર ગુજરાતમાં આજે અનરાધાર વરસાદનું અનુમાન છે.


અત્યાર સુધીની રાજ્યમાં ચોમાસાની (monsoon) સ્થિતિની વાત કરીએ તો રાજ્યમાં અત્યાર સુધીમાં 50 ટકા વરસાદ નોંધાયો છે.  ક્ષમતાના 100 ટકા ભરાયેલા ડેમની સંખ્યા 46 સુધી પહોંચી છે. 70થી 100 ટકા ભરાયેલા ડેમની સંખ્યા 25 છે.  50થી 70 ટકા ભરાયેલા ડેમની સંખ્યા 41 છે. તો 25 ટકાથી નીચે ભરાયેલા ડેમની સંખ્યા 69 છે. આ સાથે રાજ્યની 10 નદીઓમાં પૂરની સ્થિતિ સર્જાઇ છે. ભારે વરસાદના કારણે  પોરબંદરથી ધોરાજી પંથક સુધી અને  દક્ષિણ ગુજરાતમાં જન જીવન ખોરવાયું છે.  વિવિધ જિલ્લાઓમાં અત્યાર સુધીમાં 4 હજાર 232થી વધુ લોકોનું સ્થળાંતર કર્યું છે.  તો પાણીમાં ફસાયેલા 535 લોકોને રેસ્ક્યૂ કરી બચાવાયા છે.  સૌથી વધારે નવસારી, દ્વારકા, સુરત અને ભરુચ જિલ્લામાં સ્થળાંતરની કામગીરી ચાલી રહી છે.


ભારે વરસાદથી ગામડાના માર્ગોથી લઈને સ્ટેટ હાઈવે પ્રભાવિત થયા છે.  17 રાજ્ય ધોરીમાર્ગો અને  42 અન્ય રસ્તા અને પંચાયતના 607 રસ્તાઓ સહિત કુલ 666 રસ્તાઓ હાલમાં બંધની સ્થિતિમાં છે. તો રાજ્યના 235 ગામમાં હજુ પણ વીજળી ગૂલ છે. સૌરાષ્ટ્ર અને દક્ષિણ બાદ મધ્ય ગુજરાતમાં મેઘરાજાનો પ્રકોપ વર્તાઇ રહ્યો છે.  બુધવારે ખાબકેલા અનરાધાર વરસાદથી વડોદરા, આણંદ અને સુરત જિલ્લો  પાણી પાણી થઇ ગયો. . શહેરના રાજમાર્ગો  જળમગ્ન જોવા મળ્યાં. નીચાણવાળા વિસ્તારમાં તો  ઘરમાં પાણી ઘૂસી જાતાં ઘરવખરીને પણ નુકસાન થયુ છે. તો  ખેતરો જળમગ્ન બની બેટ ફેરવાતાં પાકના  નુકસાનીની પણ ભીતિ સેવાઇ રહી છે.