દક્ષિણ ગુજરાતમાં રવિવારે ગાજવીજ સાથે વરસેલા દસ ઈંચથી વધુ વરસાદે જનજીવન અસ્તવ્યસ્ત કરી નાંખ્યું છે. વલસાડ, સંઘ પ્રદેશ દમણ, નવસારી અને સુરત જિલ્લામાં ઘોઘમાર વરસાદ વરસતા ચારેય તરફ જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. સૌથી વધુ ઉમરગામમાં 10.4 ઈંચ, દમણમાં 10 ઈંચ અને નવસારીના ગણદેવીમાં 9.5 ઈંચ વરસાદ વરસ્યો હતો.
ધોધમાર વરસાદને પગલે નિચાણવાળા વિસ્તારો અને ઘરોમાં વરસાદી પાણી ઘુસી જતા સ્થાનિકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. તો પવન સાથે વરસાદ વરસતા કેટલાક સ્થળો પર વૃક્ષો ધરાશાયી થવાની અને વીજળી ગુલ થવાની પણ ઘટના બની હતી.
વલસાડ જિલ્લામાં રવિવારે સવારે છ વાગ્યાથી આઠ વાગ્યા સુધીમાં આભ ફાટ્યું હોય તેમ ઉમરગામમાં આઠ ઈંચ, વાપીમાં છ ઈંચ અને વરસાદમાં ચાર ઈંચ વરસાદ વરસતા જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે.
ધોધમાર વરસાદ વરસતા તમામ માર્ગો પર પાણી ફરી વળ્યા. દુકાનોના બોર્ડ અને રહેણાંક ઘરોના પતરા ઉડ્યા. એટલુ જ નહી અનેક સ્થળો પર વૃક્ષો પણ ધરાશાયી થયા.
વલસાડનું મોગરાવાડી ગરનાળું પાણીમાં ગરકાવ થઈ ગયુ. વાપી શહેરમાં ભારે વરસાદથી ગુંજન વિસ્તાર, ચલા મુખ્ય માર્ગ સહિતના વિસ્તારોમાં ઘુંટણ સમા પાણી ભરાયા હતા. દુકાનો અને ઘરોમાં પણ બે ફુટ સુધીના પાણી ફરી વળ્યા હતા.
ઉમરગામ ટાઉન, સ્ટેશન રોડ, જીઆઈડીસી વિસ્તારોના માર્ગો પર પણ પાણી ભરાયા હતા. સંજાણ ઢેખુ ખાડી પણ ઉભરાઈ હતી. ઉમરગામના નિચાણવાળા વિસ્તારોમાં મકાનોમાં પણ એકથી બે ફુટ પાણી ભરાઈ જતા 50થી વધુ લોકોનું સ્થળાંતર કરવુ પડ્યું હતુ.
ગુજરાતમાં વરસાદ આગાહી
હવામાન વિભાગની આગાહી અનુસાર દક્ષિણ ગુજરાતમાં દરિયાઈ સપાટીથી 2.1 કિલોમીટર પર સાયક્લોનિક સર્ક્યુલેશન સર્જાતા આગામી પાંચ દિવસ ભારે વરસાદ (Rain) વરસી શકે છે. હવામાન વિભાગના મતે પ્રથમ દિવસે દક્ષિણ ગુજરાતના સુરત, નવસારી અને વલસાડમાં ભારેથી અતિ ભારે વરસાદ (Rain) વરસી શકે છે. જ્યારે ભરૂચ, તાપી, ડાંગ, દમણ, દાદરાનગર હવેલી, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, દીવમાં પણ ભારે વરસાદ (Rain)ની હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી છે. જ્યારે વડોદરા, નર્મદા, સુરત, નવસારી અને વલસાડમાં પણ ભારે વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે.
બીજા દિવસે ડાંગ, નવસારી, વલસાડ, દમણ, દાદરાનગર હવેલીમાં પણ ભારે વરસાદ (Rain)ની આગાહી છે. ત્રીજા દિવસે ડાંગ, નવસારી, વલસાડ, દમણ, દાદરાનગર હવેલીમાં ભારે વરસાદ (Rain) વરસી શકે છે. આ સિવાય આજે ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના કેટલાક જિલ્લામાં સામાન્યથી હળવો વરસાદ (Rain) વરસી શકે છે.
અરવલ્લી, બનાસકાંઠા, મહેસાણા, સિદ્ધપુર, વિસનગર, હારીજ અને સમીમાં પણ સામાન્ય વરસાદ (Rain) વરસી શકે છે. તો 22 જુલાઈથી 25 જુલાઈ વચ્ચે રાજ્યના મોટા ભાગના વિસ્તારોમાં સારો વરસાદ વરસી શકે છે.