Sumul Dairy Milk Rate: દેશમાં લોકસભા ચૂંટણી પુરી થઇ ગઇ છે, પરિણામો જાહેર થઇ ગયા અને હવે આજે નવી સરકારની રચના પણ થઇ જશે, પરંતુ આ બધાની વચ્ચે લોકોને મોંઘવારીનો વધુ એક માર સહન કરવા માટે તૈયાર રહેવું પડશે. તાજા અપડેટ પ્રમાણે, દૂધના ભાવમાં વધારો ઝીંકાયો છે. અમૂલ બાદ હવે સુમલ ડેરીએ દૂધના ભાવમાં વધારો કર્યો છે. અચાનક આ વધારાથી પ્રજા પર વધારાનો બોજ પડશે. 


દેશમાં મોંઘવારી સતત વધી રહી છે. મોંઘવારી અટકવાનું નામ નથી લઇ રહી. ત્યારે હવે દક્ષિણ ગુજરાતમાંથી વધુ એક મોટો ઝટકો પ્રજા માટે આવ્યો છે. તાજા અપડેટ પ્રમાણે, અમૂલ બાદ સુમુલ ડેરીએ ભાવ વધારો કર્યો છે. દૂધના ભાવમાં પ્રતિ લીટરે 2 રૂપિયાનો વધારો કરાયો છે. સુરત-તાપી જિલ્લા સહકારી દૂધ સંઘે આ વધારો કર્યો છે. વધારા બાદ નવા ભાવ પણ સામે આવ્યા છે, અમૂલ ગૉલ્ડના 500 મિ.લી.ના નવા ભાવ 34 રૂપિયા થયા છે. અમૂલ તાજાના 500 મિ.લીના નવા ભાવ 27 રૂપિયા થયા છે, અમૂલ શક્તિના 500 મિ.લી.ના નવા ભાવ 31 રૂપિયા થયા છે. અમૂલ બાદ હવે સુમુલ ડેરીએ પણ દૂધના ભાવમાં અચાનક વધારો ઝીંકતા ગૃહીણીઓનું બજેટ બગડી શકે છે. 


આ અગાઉ સુમુલ ડેરીએ પશુપાલકો માટે આપી હતી ખુશખબર, ડેરીએ ફેટના ભાવમાં વધારો કર્યો હતો


સુરત અને તાપી જિલ્લાના પશુપાલકો માટે ખુશખબર છે. પશુપાલકો માટે દૂધમાં કિલોફેટે ભાવમાં વધારો કરવામાં આવ્યો છે. ભેંસના દૂધમાં કિલોફેટે ૨૦ રૂપિયાનો વધારો કરાયો છે, જ્યારે ગાયના દૂધમાં કિલોફેટે ૧૫ રૂપિયાનો વધારો કરાયો છે. ભેંસના દૂધના કિલોફેટે ભાવ ૮૩૦ રૂપિયા હતા જે વધારે ૮૫૦ રૂપિયા કરવામાં આવ્યા છે, ગાયના દૂધના કિલોફેટના ભાવ ૭૯૫ રૂપિયા હતા જે વધારી ૮૧૦ રૂપિયા કરવામાં આવ્યા છે. સુમુલ ડેરીના ચેરમેન માનસિંગ પટેલે આ જાહેરાત કરી હતી. સુરત-તાપી જિલ્લાના અઢી લાખ પશુપાલકોને વાર્ષિક ૬૦ કરોડનો ફાયદો થશે.


સાતમા તબક્કાનું મતદાન પૂર્ણ થતાં જ દૂધના ભાવમાં થયો હતો વધારો


લોકસભા ચૂંટણીનું તમામ તબક્કાનું મતદાન પૂરું થવાની સાથે જ લોકોને એક બાદ એક ઝટકા લાગી રહ્યા છે. બે દિવસ પહેલા અમૂલ બાદ મધર ડેરીએ પણ દૂધના ભાવમાં વધારો કર્યો હતો. મધર ડેરીએ તમામ દૂધના ભાવમાં રૂ. 2 સુધી પ્રતિ લિટરે વધારો કર્યો હતો. મધર ડેરી જે મુખ્યત્વે દિલ્હી-એનસીઆરમાં દૂધ અને અન્ય ઉત્પાદનોનું વેચાણ કરે છે, તેણે સોમવારે કહ્યું કે તેણે તેના દૂધની કિંમતમાં 2 રૂપિયા પ્રતિ લિટરનો વધારો કરવાનો નિર્ણય કર્યો છે. મધર ડેરીના દૂધના ભાવમાં આ વધારો આજથી એટલે કે 3 જૂન, 2024થી અમલમાં આવ્યો છે. આ વધારા બાદ મધર ડેરીના લગભગ તમામ દૂધના ભાવ વધી ગયા છે.


મધર ડેરીએ જણાવ્યું હતું કે છેલ્લા 15 મહિના દરમિયાન ખર્ચમાં થયેલા વધારાને કારણે દૂધના ભાવમાં વધારો કરવાનો નિર્ણય લીધો છે. દૂધના વધેલા ભાવ દિલ્હી-NCR સહિત તમામ બજારોમાં લાગુ થશે, જ્યાં મધર ડેરીનો બિઝનેસ છે. મધર ડેરીનું કહેવું છે કે આ પગલું તેને સતત વધી રહેલા ઉત્પાદન ખર્ચના બોજને ઘટાડવામાં મદદ કરશે, જે તેને છેલ્લા એક વર્ષથી પરેશાન કરી રહી છે.


અમૂલે રવિવારે ભાવ વધારાની જાહેરાત કરી હતી. અમૂલ દૂધના વિવિધ વેરિઅન્ટના ભાવમાં પ્રતિ લિટર 2 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો હતો. આ વધારો આજથી સોમવાર, 3 જૂનથી અમલમાં આવ્યો છે. આ વધારા પછી, અમૂલ ભેંસ દૂધ, અમૂલ ગોલ્ડ મિલ્ક અને અમૂલ શક્તિ દૂધના ભાવ અનુક્રમે 72 રૂપિયા, 66 રૂપિયા અને 60 રૂપિયા પ્રતિ લિટર થઈ ગયા છે.