સુરતઃ શહેરના અડાજણ વિસ્તારમાં અંગ્રેજી મીડિયમમાં ધોરણ-7માં અભ્યાસ કરતી સગીરાને પાડોશમાં રહેતા 23 વર્ષીય યુવકે પરાણે દારૂ પીવડાવી હવસ સંતોષી હોવાની ઘટના સામે આવતા સમગ્ર વિસ્તારમાં ખળભળાટ મચી ગયો છે. સગીરાએ યુવકની હરકતો અંગે પરિવારને જાણ કરતાં પરિવારના સભ્યોના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી. આ અંગે સગીરાની માતાએ મંગળવારે અડાજણ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરતાં 23 વર્ષીય નરાધમને જેલ હવાલે કરી દીધો છે.
આ અંગે મળતી વિગતો પ્રમાણે, અડાજણમાં રહેતા વેપારીની 11 વર્ષીય દીકરી 15 દિવસ પહેલા પાડોશી યુવકના ઘરે કૂતરું રમાડવા માટે ગઈ હતી. એટલું જ નહીં, 10 દિવસથી બંને સોશિયલ મીડિયા પર એકબીજાના કોન્ટેક્ટમાં હતા. ગત 14મી મેના રોજ યુવક સીગરાને બાઇક પર ફરવા માટે ઓલપાડ બ્રિજ પાસે લઈ ગયો હતો.
આ પછી બીજા દિવસે 15મીએ અડાજણમાં મિત્રના ભાડે રાખેલા ફ્લેટમાં સગીરાને લઈ ગયો હતો. અહીં યુવકે સગીરાને પરાણે વોડકા પીવડાવ્યો હતો અને આ પછી તેના પર બળાત્કાર ગુજાર્યો હતો. આરોપી મોબાઇલની દુકાનમાં સેલ્સમેન તરીકે કામ કરતો હતો. જોકે, એક મહિનાથી બેકાર છે. તેના પિતા કપડાની દુકાનમાં નોકરી કરી છે.
આરોપીનો મિત્ર અડાજણમાં જ ચાર મિત્રો સાથે ભાડે રહે છે. આ મિત્રએ આરોપીને ફ્લેટની ચાવી આપી હતી. આ જ ફ્લેટમાં આરોપીએ 15મી મેના રોજ સગીરા પર બળાત્કાર ગુજાર્યો હતો. તેમજ આરોપીનો મિત્ર જ વોડકાની બોટલ લાવ્યો હોવાનું પણ જાણવા મળ્યું છે. પોલીસ આરોપીના મિત્ર સામે પણ ગુનો નોંધી વધુ તપાસ કરશે.