સુરત: ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો રવિવારે કાર્યક્રમ હતો. આ કાર્યક્રમમાં સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનના ભાજપના 93 કોર્પોરેટરમાંથી 26 કોર્પોરેટરો ગેરહાજર રહ્યાં હતા.


મુખ્યમંત્રીના કાર્યક્રમમાં આટલી મોટી સંખ્યામાં કોર્પોરેટરો ગેરહાજર રહ્યાં હતા તેનાથી ચોંકી ઉઠેલા પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલની સૂચનાથી જે કોર્પોરેટરો ગેરહાજર રહ્યાં હતા તેમને નોટિસ અપાઈ હતી. આ નોટિસના જવાબમાં જે કોર્પોરેટરો ગેરહાજર રહ્યાં હતા તેમણે સાવ બાલિશ અને વિચિત્ર કહેવાય એવા કારણો રજૂ કર્યાં છે.


મુખ્યમંત્રીના કાર્યક્રમમાં ફરજિયાત હાજર રહેવા માટે પ્રદેશ પ્રમુખ સી.આર. પાટિલે તાકીદ કરી હોવા છતાં ભાજપના 26 કોર્પોરેટરો ગેરહાજર રહ્યાં હતા. ગેરહાજર રહેલાં કોર્પોરેટરોને શાસક પક્ષના નેતાએ નોટીસ ફટકારી ખુલાસો માગ્યો હતો. આ નોટીસના ખુલાસામાં કોર્પોરેટરોએ બાઈકમાં પંક્ચર પડી ગયું, પોતે કે સગાં બિમાર હતાં એવાં કારણો રજૂ કરતાં આ કોર્પોરેટરોની ભાજપમાં જ મજાક ઉડી રહી છે.


ગેર હાજર રહેલાં 26 કોર્પોરેટરો પૈકીના નવ કોર્પોરેટરોએ પોતે અથવા પોતાના પરિવારના સભ્યો બિમાર હોવાનો ખુલાસો કર્યો હતો. કતારગામના એક કોર્પોરેટરે એવો ખુલાસો કર્યો છે કે,  પોતે કાર્યક્રમમાં હાજરી આપવા માટે આવતાં હતા પરંતુ બાઈકમાં પંકચર પડતાં તેઓ કાર્યક્રમમાં હાજર ન રહી શક્યા.


આ સિવાય  બે કોર્પોરેટરે એવો ખુલાસો કર્યો છે કે તેઓ વડા પ્રધાન નરેન્દ્ર મોદીના રેડિયો પરથી પ્રસારિત મનકી બાતના કાર્યક્રમમાં પોતાના વિસ્તારના લોકો સાથે હાજર રહ્યાં હતા તેના કારણે મુખ્યમંત્રીના કાર્યક્રમમાં હાજર નથી રહી શક્યતા. એક કોર્પોરેટરે પોતે ક્રિકેટની પ્રેક્ટીસ દરમિયાન  ઈજા થઈ હોવાથી કાર્યક્રમમાં હાજર ન રહી શક્યા એવો ખુલાસો કર્યો છે. મુખ્યમંત્રીના કાર્યક્રમમાં ગેર હાજર રહેવા બદલ 26 કોર્પોરેટરને નોટીસ ફટકારવામા આવી હતી. 93 કોર્પોરેટરમાંથી 26 કોર્પોરેટરો ગેરહાજર રહ્યા તેથી અકળાયેલા પાટીલે કોર્પોરેટરોને આ બાબતની ગંભીર નોંધ લેવાઈ હોવાની ચીમકી આપી હોવાની ભાજપમાં ચર્ચા છે.