સુરતઃ ભરથાણા વિસ્તારમાં એક જ પરિવારના 6 સભ્યોને કોરોના આવતાં તંત્ર દોડતું થઈ ગયું છે. પરિવારના એક સભ્યની સોમનાથ ટ્રાવેલ હિસ્ટ્રી સામે આવી છે. પરિવારના તમામ સભ્યોને હોમ કોરોન્ટાઇન કરાયા છે. પાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા પરિવારના સંપર્કમાં આવેલ લોકોની તપાસ શરૂ કરવામાં આવી છે. 


ભરથાણાના પટેલ ફળિયામાં એક જ પરિવારના 6 સભ્યો પોઝિટિવ આવ્યા હતા, જેમાંથી 2 બાળકો હતા.  ભરથાણાના પટેલ ફળિયામાં રવિવારે બેરીકેટિંગ કરી સીલ મારી દેવામાં આવ્યું હતું. પાલિકાના આરોગ્ય વિભાગની ટીમે સર્વેલન્સ વધાર્યું છે અને ધનવંતરી રથમાં પટેલ ફળિયામાં આજુબાજુના તેમજ સામે રહેતા 32 લોકોનાં ટેસ્ટિગ કર્યાં છે પણ વધુ કોઈ પોઝિટિવ કેસ નોંધાયા નથી.


નોંધનીય છે કે, આરોગ્ય વિભાગે તપાસ કરતાં ગત 10મીએ પિતા તેની દિકરી સાથે સોમનાથ યાત્રાએ ગયા હતા અને 9 દિવસ બાદ 19મીએ પરત ફર્યા હતા. પિતાને બીજા જ દિવસે ગળામાં દુ:ખાવો થયો હતો ને ત્રણ દિવસ રહીને તાવ આવ્યો હતો. પછી તપાસ કરાવતા કોરોના ડિટેક્ટ થયો અને 30મીએ ટ્રાઈસ્ટારમાં દાખલ કરાયા હતા.


પિતા પોઝિટિવ આવતાં તેમના ઘરમાં અન્ય સભ્યોનું ટેસ્ટિંગ કરતાં બે બાળકો પણ પોઝિટિવ આવ્યા હતા. આ સાથે એક જ પરિવારના 6 કેસ પોઝિટિવ આવતાં આરોગ્ય તંત્ર ચોંકી ઉઠ્યું હતું અને તમામને આઈસોલેશન હેઠળ રખાયા છે.


ગુજરાતમાં ફરી એકવાર કોરોનાના એક્ટિવ કેસોમાં વધારો નોંધાયો છે. રાજ્યમાં સુરત અને અમદાવાદમાં ફરીથી કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે, ત્યારે સુરતમાં કોરોનાના વધી રહેલા કેસોને લઈને તંત્ર હરકતમાં આવ્યું છે. સુરતમાં કન્ટેઈનમેન્ટ ઝોન વિસ્તારમાં ગરબા પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે. આ નિયમને કારણે 6426 લોકો નવરાત્રિની ઉજવણી નહીં કરી શકે. જ્યારે સુરતમાં અત્યારે સૌથી 47 એક્ટિવ કેસ છે. આ પછી અમદાવાદમાં 40 એક્ટિવ કેસ છે. તો વલસાડમાં 33 અને વડોદરામાં 25 એક્ટિવ કેસ છે. 


 


સુરત શહેરમાં હાલ 69 માઈક્રો કન્ટેઈનમેન્ટ ઝોન જાહેર થયેલા છે. નવરાત્રિમાં પહેલા કોરોનાના વધતા કેસો પાલિકા માટે પડકાર છે.  ભરથાણામાં એક જ પરિવારના 2 બાળકો સહિત 6 પોઝિટિવ છે. રાંદેરમાં પણ માતા-પિતા અને પુત્રને ચેપ છે. બાળકોમાં કોરોના સંક્રમણનો રેશિયો 15 ટકા સુધી પહોંચી ગયો. રાંદેરમાં મહિનામાં જ 40માંથી 8 બાળકો સંક્રમિત થયા છે. ​​​​​​​તહેવાર ટાણે​​​​​​​ સોસાયટીમાં ભેગા થયાં હોવાની હિસ્ટ્રી સામે આવી છે. 

ગુજરાતમાં ગઈ કાલે કોરોનાના નવા 23 કેસ નોંધાયા છે. તો બીજી તરફ 14 દર્દીઓ રિકવર પણ થયા છે. અત્યાર સુધીમાં કુલ 8,15,740 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. તો બીજી તરફ કોરોનાનો રિકવરી રેટ પણ 98.76 ટકાએ પહોંચ્યો છે. રાજ્યમાં આજે કોરોના સંક્રમણથી એકપણ વ્યક્તિનું મોત થયું નથી. આજે  62,842 લોકોનું રસીકરણ કરવામાં આવ્યું છે. 


જો કોરોનાના એક્ટિવ કેસની વાત કરીએ તો રાજ્યમાં કુલ 180  કેસ છે. જે પૈકી 04 વેન્ટીલેટર પર છે, જ્યારે 176 નાગરિકો સ્ટેબલ છે. 8,15,740 નાગરિકોને ડીસ્ચાર્જ કરવામાં આવ્યા છે. 10082 નાગરિકોનાં અત્યાર સુધીમાં કુલ મોત નિપજ્યાં છે. જો કે રાહતના સમાચાર કહી શકાય કે, આજે કોરોનાને કારણે એક પણ દર્દીનું મોત થયું નથી. સુરત કોર્પોરેશનમાં  8, અમદાવાદ  કોર્પોરેશનમાં 6, સુરત 3, વલસાડ 3, ખેડા 1, નવસારી 1 અને વડોદરા કોર્પોરેશનમાં  1  કોરોના વાયરસનો કેસ નોંધાયો છે.