સુરતઃ શહેરના પાંડેસરા રણછોડ નગરમાં એક 12 વર્ષના વિદ્યાર્થીએ બાથરૂમમાં ફાંસો ખાય આપઘાત કરી લેતા પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો છે.  મૃતક પાર્થ ધોરણ-8નો વિદ્યાર્થી હતો અને શાળાએથી આવ્યા બાદ ભોજન કરી પિતા સાથે સુવા ગયા બાદ કુદરતી હાજતે જવાનું કહી રૂમમાંથી બહાર નીકળી ગયો હતો. 


પિતાએ મોબાઈલ પર ગેમ રમવાની ના પાડતા આ પગલું ભર્યું હોવાનું પ્રાથમિક તારણ છે. પિતાએ નિવેદન આપતા જણાવ્યું છે કે, તેમને સુવડાવી કુદરતી હાજતે ગયેલો દીકરો બાથરૂમમાં ફાંસો ખાધેલી હાલતમાં હોવાનું સાંજે ચાર વાગે ખબર પડી હતી. દીકરાની માતા પુત્રને બાથરૂમમાં લટકતો જોઈ હેબતાઈ ગઈ હતી. બુમાબુમ કરતા હું દોડી ને ગયો તો પુત્ર લટકી રહ્યો હતો.


વધુમાં જણાવ્યું હતું કે, રડાવાનો અવાજ સાંભળી પાડોશીઓ દોડી આવ્યા હતા અને પોલીસ ને જાણ કરી હતી. પોતે કરીયાણાના વેપારી હોવાનું અને યુપી બાંદ્રાના વતની હોવાનું જણાવ્યું હતું. ચાર સંતાનમાં બે દીકરા અને બે દીકરીઓ પૈકી પાર્થ બીજા નંબરનો દીકરો હતો.

અન્ય એક ઘટનામાં, વલસાડમાં સેલવાસની એક સોસાયટીમાં યુવતીએ બિલ્ડિંગની છત પરથી કુદવાનો પ્રયાસ કરતા ચકચાર મચી ગઇ હતી. જોકે આપઘાત માટે છત પર ચઢેલી દીકરીને માતાએ વાતમાં પાડી ને છેલ્લી ઘડીએ પિતાએ પાછળથી દીકરીને ઊંચકી લેતા અપ્રિય ઘટના બનતા ટળી હતી. ગુરુવારે સવારે 5-30 વાગ્યાના સુમારે બાવીસા ફળીયા રોડ પર આવેલી સાઈ શાંતિધામ સોશાઇટીમાં રહેતી એક સગીર દીકરી ઘરમાં કંઈ કામ ન કરતી હોય અને આખો દિવસ મોબાઈલ પર ગેમ રમતી હોવાથી માતા પિતાએ ઠપકો આપતા તેણીએ ગુસ્સામાં બિલ્ડિંગની છત પર આપઘાત કરવા ચઢી ગઇ હતી અને કૂદવાની ધમકી આપી રહી હતી.


એ સમયે અનેક લોકોએ વિડીયો બનાવી વાયરલ કર્યો હતા. જોકે યુવતી કુદે તે પહેલા માતાએ એને વાતમાં પાડી પિતા પાછળના ભાગેથી આવી એને ઉંચકી લઇ બચાવી લીધી હતી. આ ઘરેલુ મામલો હોય દીકરીની બદનામી ન થાય જેથી પોલીસ કેસ કરવાની પરિવારના સભ્યોએ ના પડી હતી.વલસાડ જિલ્લા અને સંઘપ્રદેશમાં થોડા સમયથી નજીવી બાબતે આપઘાતના પ્રયાસોના બનાવો વછી રહ્યા છે. જે અટકાવવા પોલીસ સામે પડકાર બની રહ્યા છે.