સુરતમાં વધુ એક યુવાનનું હાર્ટ અટેકના કારણે મોત થયું હતું. મળતી જાણકારી અનુસાર, સુરતના પાલનપુરમાં ગરબાની પ્રેક્ટિસ દરમિયાન યુવકને હાર્ટ અટેક આવ્યો હતો. બાદમાં યુવકને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો જ્યાં ડોક્ટરોએ તેને મૃત જાહેર કર્યો હતો.                                   

  


26 વર્ષીય રાજ મોદી ગરબાની પ્રેક્ટિસ કરી રહ્યો હતો ત્યારે અચાનક તે ઢળી પડ્યો હતો. સારવાર મળે તે અગાઉ જ રાજ મોદીનું મોત થયું હતું. રાજ મોદીના મોતને પગલે પરિવારમાં શોકનો માહોલ છવાઇ ગયો હતો. રાજ મોદી એલપી સવાણી રોડ ખાતે ગરબાની પ્રેક્ટિસ કરતો હતો. રાજ નવરાત્રિ બાદ અભ્યાસ માટે લંડન જવાનો હતો. પાલ પોલીસે ઘટનાસ્થળે પહોંચીને તપાસ શરૂ કરી હતી અને યુવકના મોતને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો હતો.                          


ગયા મહિનામાં જ સુરતમાં હાર્ટ અટેકના કારણે કેટલાક યુવાઓનું મોત થયું હતું. સુરતના પલસાણાના બગુમરા ગામમાં ગણેશ વિસર્જન દરમિયાન ગરબા કાર્યક્રમનું આયોજન કરાયુ હતુ. દરમિયાન દર્શન જયેશભાઇ રાઠોડ નામનો 21 વર્ષીય યુવક ગરબા રમતા રમતા ઢળી પડ્યો હતો. બાદમાં યુવકને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડાયો હતો. જો કે યુવકને સારવાર મળે એ પહેલા જ મોત નિપજ્યુ હતું.


ગોડાદરામાં ૧૩ વર્ષની વિદ્યાર્થિની   શાળામાં જ બેભાન થઇ ગઈ હતી. આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે. બેભાન થયા બાદ તેણીને હોસ્પિટલ લઇ જવાતા હાજર ડોક્ટરે તેન મૃત જાહેર કરી હતી.  નોંધનીય છે કે તાજેતરમાં જ સુરતના કાપોદ્રા વિસ્તારમાં જમ્યા બાદ બેભાન થઈ જતાં રત્નકલાકારનું હાર્ટ અટેકથી મોત થયું હતું. કાપોદ્રા વિસ્તારમાં રહેતો 20 વર્ષીય રત્નકલાકાર જમ્યા બાદ આરામ કરતો હતો, એ દરમિયાન તે બેભાન થઈ જતાં તેનું મોત નીપજ્યું હતું. કાપોદ્રા પોલીસ સ્ટેશન પાસે શ્રીરામનગર સોસાયટીમાં રહેતો અશોકુમાર ગણેશપ્રસાદ કુમાર રત્નકલાકાર તરીકે નોકરી કરીને પરિવારને મદદરૂપ થતો હતો. અશોકુમારનાં ત્રણ મહિના પહેલાં જ લગ્ન થયા હતાં.   તાજેતરમાં જ રાજકોટમાં કિશન ધાબેલીયા, રાજેન્દ્રસિંહ વાળા અને મહેન્દ્ર પરમાર નામના વ્યક્તિઓના મોત નીપજ્યા હતા.