સુરતઃ સુરતમાં યુવતીને પ્રેમજાળમાં ફસાવી બિલ્ડરે શરીર સંબંધ બાંધ્યા હોવાની ઘટના સામે આવી છે. પરણીત હોવાનું છુપાવી લીવ ઈનના કરાર પણ બનાવ્યાં હતા. બિલ્ડરનો ભાંડો ફૂટતાં કહ્યું, તું ગમતી નથી કહીને ઢોર માર્યો હતો. આ અંગે પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે સંજય પોકળની અટક કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
આ અંગેની વિગતો એવી છે કે, સણીયા-હેમાદ વિસ્તારમાં રહેતી 40 વર્ષીય યુવતી બિલ્ડરની સોસાયટીમાં ભાડેથી રહેતી હતી, ત્યારે તેના સંપર્કમાં આવી હતી. બિલ્ડર પોતે સોસાયટીનો પ્રમુખ હોવાથી અવાર-નવાર સંપર્કમાં આવતાં હતા. આ સમયે બિલ્ડરે પોતે અપરણીત હોવાનું કહીને યુવતીને પ્રેમજાળમાં ફસાવી હતી.
યુવતીના છૂટાછેડા થઈ ગયા છે તેમજ પોતે ઘરમાં સાડી વર્કનું કામ કરી 16 વર્ષીય પુત્ર અને 12 વર્ષીય દીકરીનું ભરણ પોષણ કરે છે. 3 વર્ષ પહેલા બિલ્ડર સાથે તેને સંબંધ બંધાયા હતા. બિલ્ડરે યુવતીને લગ્નની લાલચ આપી અવાર-નવાર ઘરે તેમજ મિત્રના ફાર્મ હાઉસ અને ડુમસની હોટલમાં લઈ જઈ શારીરિક સંબંધ બાંધ્યા હતા.
એટલું જ નહીં, બિલ્ડર સાથે તેને લિવ-ઇનના કરાર કર્યા હતા તેમજ સણીયા હેમાદના ફ્લેટમાં બંને પતિ-પત્નીની જેમ રહેતા હતા તેમજ પ્રસંગોમાં પણ તેઓ એવી જ રીતે વર્તતા હતા. દરમિયાન બિલ્ડરની પત્નીને પતિની કરતૂત ખબર પડી ગઈ હતી તો પ્રેમિકાને પણ ખબર પડી જતાં બિલ્ડરે પત્ની ગમતી નથી અને છૂટાછેડા આપી દેવાના છે, તેમ કહ્યું હતું અને લીવ ઇનનો કરાર બનાવ્યો હતો.
જોકે, થોડા દિવસ પછી બિલ્ડર દારૂ પીને આવ્યો હતો અને બાળકોની સામે જ પ્રેમિકાને માર માર્યો હતો તેમજ સંતાનોને મારી નાંખવાની ધમકી આપી તરછોડી દીધી હતી. આ અંગે ભોગ બનનાર યુવતીએ પોલીસ ફરિયાદ કરતાં સમગ્ર ઘટના સામે આવી છે. પોલીસે બિલ્ડરની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.