સુરત : શહેરના લિંબાયત વિસ્તારમાં 5 વર્ષીય બાળકીનું તાવની દવા ગળવા જતાં મોત નીપજ્યું હોવાની ઘટના સામે આવતાં સમગ્ર વિસ્તારમાં અરેરાટી વ્યાપી ગઈ છે. દવા બાળકીની શ્વાસનળીમાં ફસાઈ જતા બાળકીનું મોત નીપજ્યું હતું. 5 વર્ષની બાળકી મુસ્કાનનુ નિધન થતાં પરિવારમાં માતમ છવાયો છે. મુસ્કાન તાવની દવા ગળવા જતાં દવા શ્વસનનળીમાં ફસાઈ ગઈ હતી. જેને કારણે શ્વાસ ન લેવાતા બાળકી બેભાન થઈ ગઈ હતી. બાદમાં સિવિલમાં ખસેડાતા તેને મૃત જાહેર કરી હતી.
અન્ય એક ઘટનામાં, દાહોદમાં દીપડાનો આતંક સામે આવ્યો છે. 3 મહિનાના બાળકને દીપડાએ ફાડી ખાતા અરેરાટી વ્યાપી ગઈ છે. લીમખેડાના ટીમ્બા ગામની ઘટના છે. રાત્રી દરમિયાન ઘરમાં ઘૂસી માતા પાસે ઊંઘતા બાળકને દીપડો લઈ ગયો હતો. ઘરનું બારણું ખુલ્લું હોઈ દિપડો ઘરમાં પ્રવેશ્યો હતો.
3 મહિનાના બાળકને દીપડો ઉપાડી ગયો હતો. પરિજનોની શોધખોળમાં બાળકના માંસના ટુકડા ને કપડાં મળ્યા હતા. ઘટનાની જાણ વન વિભાગને કરતા તાત્કાલિક ઘટના સ્થળે પહોંચ્યા હતા. મળેલ માંસને પોસ્ટમોર્ટમ માટે દાહોદ સિવિલમાં લવાયા હતા. ઘટનાથી વિસ્તારમાં ડર અને ભયનો માહોલ સર્જાયો છે.
વધુ બીજી એક ઘટનામાં, અમદાવાદના ચાંદખેડા વિસ્તારમાં રહેતી 19 વર્ષીય યુવતીએ આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ છે. યુવતીએ હજુ ગત જૂલાઇ મહિનામાં જ પ્રેમલગ્ન કર્યા હતા. જોકે, યુવતીના પરિવારને આ લગ્ન મંજૂર ન હોવાથી તેમણે છૂટાછેડા લેવડાવી લીધા હતા. જોકે, છૂટાછેડા પછી યુવતીએ આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ છે. આ અંગે યુવતીના પૂર્વ પતિએ પોલીસ ફરિયાદ કરતાં સમગ્ર ઘટના પ્રકાશમાં આવી છે.
આ અંગેની વિગતો એવી છે કે, ચાંદખેડાની 19 વર્ષીય યુવતીના પાંચ વર્ષ પહેલા પાડોશમાં રહેતાં યુવક સાથે પ્રેમસંબંધ બંધાયા હતા. જોકે, બંનેની જ્ઞાતિ અલગ હોવાથી પરિવાર લગ્નની મંજૂરી નહીં આપે તેમ લાગતાં બંનેએ જુલાઇ 2021માં ભાગીને લગ્ન કરી લીધા હતા. લગ્ન પછી બંને વડોદારના પાદરા ખાતે રહેતા હતા. જોકે, યુવતીના પરિવારે યુવકના પરિવારે દીકરી પરત આપી દેવાનું જણાવ્યું હતું અને અમે કંઈ નહીં કરીએ તેમજ ફક્ત છૂટાછેડા આપી દઇશું તેમ જણાવ્યું હતું.
આ પછી બંનેના છૂટાછેડા થઈ ગયા હતા અને પરિવાર યુવતીને પરત લઈ ગયો હતો. જોકે, થોડા દિવસ પહેલા યુવતીએ પૂર્વ પતિને ફોન કર્યો હતો અન માતા-પિતા પરેશાન કરતાં હોવાનું જણાવ્યું હતું. તેમમે યુવકને એમ પણ કહ્યું હતું કે, તું તારો રસ્તો કરી લે અથવા અમે અમારો રસ્તો કરી લઈએ. આ પચી યુવતીએ આપઘાત કરી લીધો હતો. હવે યુવકે પોલીસ ફરિયાદ કરતાં મુતકના પરિવાર સામે ચાંદખેડા પોલીસે ગુનો નોંધ્યો છે.
અન્ય એક ઘટનામાં શહેરમાં પતિએ પત્નીને માર મારતાં મામલો પોલીસ સ્ટેશને પહોંચ્યો છે. શંકાશીલ પતિએ કેમ ઘરની બહાર ગઇ હતી કહીને પત્નીને માર મારતા મામલો પોલીસ સ્ટેશને પહોંચ્યો છે. શાહીબાગમાં શંકાશીલ પતિએ પત્નીને બપોરે માર્યા બાદ ફરિયાદ કરવાનું કહેતા મારી નાંખવાની ધમકી આપી પતિ ફરાર થઇ ગયો છે.