Surat: ફરી એકવાર ગુજરાતમાંથી બાંગ્લાદેશી મહિલા ઝડપાઇ છે. આ વખતે સુરતમાંથી ફરી એકવાર પોલીસની કાર્યવાહીમાં બાંગ્લાદેશી મહિલાને પોલીસે ઝડપી પાડી છે. મળતી માહિતી પ્રમાણે, સુરત શહેરના સારોલી વિસ્તારમાં આ મહિલા રહેતી હતી અને શહેરના એક સ્પાપમાં કામ કરતી હતી, જ્યારે એસઓજીને ઘૂસણખોરી કરનારી મહિલા વિશે બાતમી મળી તો પોલીસે તરત જ એક્શનમાં આવીને તેને ઝડપી પાડી હતી. ઝડપાયેલી બાંગ્લાદેશી મહિલા પાસેથી ભારતનું નકલી આધાર કાર્ડ પણ મળી આવ્યુ હતુ. ઉલ્લેખનીય છે કે, આ પહેલા પણ અનેકવાર બાંગ્લાદેશી સુરત શહેરમાં રહેતા હોવાનું નેટવર્ક પકડાયુ હતુ.


આ પહેલા પણ પકડાયા હતા બાંગ્લાદેશીઓ 


મળતી માહિતી પ્રમાણે, સુરત શહેરમાંથી શહેર SOG પોલીસે જબરદસ્ત કાર્યવાહી કરતાં કુલ 6 બાંગ્લાદેશી ઘૂસણખોરોને ઝડપી પાડ્યા છે. SOGની ટીમે શહેરમાંથી અલગ અલગ જગ્યાએ કુલ 6 બાંગ્લાદેશીઓને પકડી પાડ્યા છે. પોલીસે શહેરના ઉધનામાંથી 2, પુણા વિસ્તારમાંથી 2 અને સારોલી વિસ્તારમાંથી 2 બાંગ્લાદેશી ઘૂસણખોરોને ઝડપી પાડ્યા છે. ચોંકાવનારી વાત તો એ છે કે, શહેરમાંથી પકડાયેલા આ 6 બાંગ્લાદેશીઓ પાસેથી ભારતીય આધાર કાર્ડ પણ મળી આવ્યા છે, આ લોકો પાસેથી બાંગ્લાદેશી હોવાના પુરાવાઓ પણ મળ્યા છે, એટલુ જ નહીં એક બાંગ્લાદેશી પાસેથી પોલીસે પાસપોર્ટ પણ જપ્ત કર્યો છે. ભારતીય આધાર કાર્ડ અને પાસપોર્ટ મળી આવતા પોલીસ પણ ચોંકી ગઇ છે. હાલમાં આ કેસના તપાસ ચાલી રહી છે. 


એકતરફી પ્રેમમાં પાગલ પ્રેમીએ યુવતીનો અશ્લીલ વીડિયો વાયરલ કર્યો


સુરત શહેરમાંથી વધુ એક ચોંકાવનારી પ્રેમ પ્રકરણની ઘટના સામે આવી છે. અહીં એક પાડોશીએ એક યુવતીનો અશ્લીલ વીડિયો વાયરલ કરી દીધો છે. પ્રેમીએ પોતાની પ્રેમિકા પોતાની સાથે વાત નથી કરતી એમ કહીને આ વીડિયો વાયરલ કરી દીધો, જોકે, બાદમાં યુવતીના પરિવારજનોએ યુવક સામે પોલીસ ફરિયાદ કરી હતી. મળતી માહિતી પ્રમાણે, સુરતના પાંડેસરામાં એક પાગલ પ્રેમીએ અજુગતુ પગલુ ભર્યુ છે, આ યુવકે પાડોશી યુવતીનો અશ્લીલ વીડિયો ઉતારીને વાયરલ કરી દીધો છે. ખરેખરમાં વાત એમ છે કે, પાંડેસરમાં રહેતા યુવક જેનુ નામ શિવકુમાર છે, તેને પોતાના પાડોશમાં રહેતી યુવતીને ફસાવી હતી, તેને પહેલા આ યુવતીનો અશ્લીલ વીડિયો ઉતારી દીધો હતો, અને બાદમાં તે યુવતીને વારંવાર બ્લેકમેઇલ કરતો રહેતો હતો, તે કહેતો કે તુ મારી સાથે વાત નહીં કરે તો હું આત્મહત્યા કરીને તને ફંસાવી દઇશ. આ વાતને લઇને વિવાદ થતાં આરોપી યુવક શિવકુમારે યુવતીના પરિવારજનોની માફી માગી હતી, જોકે, તેમ છતાં બાદમાં શિવકુમારે યુવતીનો અશ્લીલ વીડિયો સોશ્યલ મીડિયા પર વાયરલ કરી દીધો હતો. હાલમાં આ એકતરફી પ્રેમમાં પાગલ યુવક વિરુદ્ધ પાંડેસરા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવ્યો છે, અને તેની શોધખોળ પણ શરૂ કરવામાં આવી છે.