સુરતઃ માંડવી તાલુકાના આમલી ડેમ ખાતે હોડી પલટવાની ઘટના સામે આવી છે. ડેમમાં નાવડી પલટી જતાં 10 લોકો ડૂબ્યા છે. નાવડીમાં બેસી ઘાસ કાપવા જઈ રહ્યા હતા આ સમયે નાવડી પલટી ગઈ હતી. 2 મૃતદેહ મળી આવ્યા છે, તો ત્રણ લોકોને બચાવી લેવામાં આવ્યા છે. હજુ 5 લોકો ની શોધખોળ ચાલુ છે. માંડવી પોલીસ અને ફાયર વિભાગ ઘટના સ્થળે પહોંચી છે.
આ અંગેની વિગતો એવી છે કે, આજે સવારે આમલી ડેમ ખાતે 10 લોકો હોડીમાં બેસીને ઘાસ કાપવા જઈ રહ્યા હતા. આ જ સમયે કોઈ કારણસર ડેમમાં જ હોડી પલટી મારી ગઈ હતી. જેને કારણે સાત લોકો ડૂબી ગયા હતા. આ સમાચારને પગલે સમગ્ર વિસ્તારમાં ભારે અરેરાટી મચી ગઈ હતી. ઘટનાની જાણ થતાં માંડવી પોલીસ અને ફાયર વિભાગની ટીમ પણ ઘટનાસ્થળે દોડી આવી હતી અને ડેમમાં શોધખોળ શરૂ કરવામાં આવી હતી.
ફાયર બ્રિગેડને શોધખોળ દરમિયાન બે લાશો મળી આવી છે. તેમજ અન્ય લોકોની શોધખોળ શરૂ કરવામાં આવી છે. ઘટનાના સમાચાર થોડીવારમાં જ સમગ્ર વિસ્તારમાં ફેલાઇ ગયા હતા. જેને કારણે મોટી સંખ્યામાં લોકો પણ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા.
બચી ગયેલના નામ
જીતેન્દ્ર વસાવા
લલીતાબેન વસાવા
દીબુ બેન વસાવા
ડૂબી ગયેલના નામ જેની શોધખોળ ચાલુ છે
મીરાભાઈ વસાવા
રાલુ બેન વસાવા
મગનભાઈ વસાવા
રાયડુ બેન વસાવા
પુનીયાભાઈ વસાવા
મૃત્યુ પામેલા જેની બોડી મળી આવેલ છે તેના નામ
દેવનીબેન વસાવા
ગીમલીબેન વસાવા