સુરતઃ કાજીપુરા ચુમાલીસ ચાલ ગાર્ડન ફેકટરી પાસે રવિવારે સાંજે ઘરમાં બેભાન મળેલા યુવાનની ગળેટૂંપો આપી હત્યા તેની પત્નીએ જ કરી હતી. પતિ કોઈ કામધંધો કરતો નહોતો અને દારૂ પીને રોજ ઝઘડા કરતો હતો. એક નશાખોર પતિને પત્નીએ જ ગળેટુંપો આપી હત્યા કરી નાખી હોવાની ચકચારી ઘટના પ્રકાશમાં આવી છે. સુરતના કાજીપુરા ચુમાલીસ ચાલ ગાર્ડન ફેકટરી પાસે ઘર નં.7/686 ના ત્રીજા માળે રૂમ નં.36 માં રહેતો 41 વર્ષીય ભાવેશ લાલજીભાઇ સોલંકી ગત રવિવારે બપોરે પોતાના ઘરમાં સુઈ ગયો હતો. જોકે, સાંજે ચાર વાગ્યે તે નહીં ઉઠતા તેની પત્ની મીનાક્ષીએ દિયર મહેશને જાણ કરી હતી. મહેશ તેને સારવાર માટે મસ્કતી હોસ્પિટલમાં લઈ ગયો હતો. પરંતુ ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કરતા તેના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડાયો હતો.

Continues below advertisement


દરમિયાન, ગતરોજ પોસ્ટમોર્ટમમાં ભાવેશનું મોત દોરી જેવા કોઈ સાધન વડે ગળેટૂંપો આપતા થયું હોવાનો ખુલાસો થયો હતો. આથી લાલગેટ પોલીસે પોસ્ટમોર્ટમ રિપોર્ટના આધારે ભાવેશના ભાઈ મહેશની ફરિયાદના આધારે અજાણ્યા વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. ભાવેશની હત્યા કોઈ જાણભેદુએ કરી હોવાની આશંકાને આધારે પોલીસે તેના પરિવારજનોની જ પુછપરછ શરૂ કરી હતી. 


પોલીસને ભાવેશના મૃતદેહના ગળાના ભાગે નિશાન જોવા મળતા તે અંગે તેની પત્નીની પુછપરછ કરી હતી. તે સમયે પત્નીએ તે નિશાન ખરજવાના હોવાનું જણાવ્યું હતું. જોકે, પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં ગળેટૂંપો આપી હત્યા થઈ હોવાનો ખુલાસો થતા પોલીસે તેની પત્નીની મીનાક્ષીની જ ઉલટતપાસ કરતા તેણે નાડાની દોરી વડે ગળેટૂંપો આપી હત્યા કર્યાની કબૂલાત કરી હતી. સફાઈ કામદાર તરીકે કામ કરતી મીનાક્ષીના લગ્ન 19 વર્ષ અગાઉ સફાઈ કામદાર ભાવેશ સાથે થયા હતા અને તેમને 17 વર્ષનો પુત્ર પણ છે. જોકે, દારૂની લત ધરાવતો ભાવેશ કોઈ કામધંધો નહીં કરી રોજ ઝઘડા કરતો હોય અને લોનના હપ્તા પણ ભરતો ન હોય કંટાળી હત્યા કરી હતી.પોલીસે મીનાક્ષીની ધરપકડ કરી છે.