Surat Accident News: સુરતમાં મનપા સંચાલિતત બસે કાળો કેર વર્તાવ્યો છે, હાલમાં જ સામે આવેલા આંકડા પ્રમાણે, સુરતમાં મહાનગર પાલિકા સંચાલિત બસોએ અકસ્માતોની વણઝાર ઉભી કરી દીધી છે. છેલ્લા ચાર વર્ષમાં બસોએ 54 અકસ્માત સર્જ્યા છે, જેમાં 18 નિર્દોષ લોકોનો જીવ લેવાયો હોવાનું પણ સામે આવ્યુ છે. સતત વધી રહેલા બસ અકસ્માતોથી શહેરીજનો પણ ચિંતિત છે. તાજેતરમાં જ જાહેર પરિવહન સમિતિના ચેરમેને આ અંગે જરૂરી સૂચનાઓ પણ આપી હતી.


હાલમાં મળતી માહિતી પ્રમાણે, સુરત મનપા સંચાલિત બસોએ શહેરના રસ્તાઓ પર કાળો કેર વર્તાવ્યો છે. એક પછી એક અકસ્માતોની લાઇન કરી દીધી છે, તાજા આંકડા પ્રમાણે, મનપા સંચાલિત બસોએ સુરતમાં છેલ્લા ચાર વર્ષમાં 54 અકસ્માતો સર્જ્યા છે. આ 54 અકસ્માતમાં 18 નિર્દોષોના જીવ મનપા સંચાલિત બસે લીધા છે. 


હાલમાં જ જાહેર પરિવહન સમિતિના ચેરમેને જરૂરી સૂચનાઓ આપી હતી, તેમને બસ ડેપોની મુલાકાત લઈને એજન્સી સંચાલકોને સૂચના આપી હતી. વર્ષ 2020માં 2 અકસ્માત થયા જેમાં 2 વ્યક્તિના મૃત્યુ થયા હતા. વર્ષ 2021માં 7 અકસ્માત થયાં જેમાં 5 લોકોના મૃત્યુ અને 2 વ્યક્તિને ઈજા પહોંચી હતી. વર્ષ 2022માં 21 અકસ્માત થયા જેમાં 8 વ્યક્તિના મૃત્યુ થયા જ્યારે 13 વ્યક્તિ ઈજાગ્રસ્ત થઈ હતી. વર્ષ 2023માં 24 અકસ્માત નોંધાયા જેમાં 3 વ્યક્તિના મૃત્યુ અને 21 વ્યક્તિ ઘાયલ થયાં હતા. બીઆરટીએસ બસોના અકસ્માતોની સંખ્યામાં વધારો થયો છે. વર્ષ 2020 કરતાં 2023માં અકસ્માતોની સંખ્યામાં 1200 ટકાનો વધારો થયો છે. સતત અકસ્માતોની સંખ્યામાં વધારો છતાં મનપના સત્તાધીશો નિંદ્રાધીન હોવાનું સ્પષ્ટ રીતે દેખાઇ રહ્યું છે. અકસ્માત સર્જતી બસ એજન્સી સામે કડક પગલાં ના લેવાતા અકસ્માતોની સંખ્યા સતત વધી રહી છે. 


અમદાવાદ ઓવર સ્પીડ વાહને વધુ એકનો લીધો ભોગ


અમદાવાદના મકરબા રેલવે ક્રોસિંગ નજીક 7 માસની બાળકી પર કાર ફરી વળતા માસૂમ બાળકીનું ઘટનાસ્થળે જ મોત થયું છે. પૂરપાટ ઝડપે આવતી કારે બાળકીની એવી રીતે અડફેટે લીધી કે બાળકીને ગંભીર ઇજા થતાં માસૂમની મોત નિપજ્યું હતું. ઘટના પગલે એમ ડિવિઝન ટ્રાફિક પોલીસે ગુનો નોંધી નરોડાના વિષ્ણુ જાંગીડ નામના શખ્સની  ધરપકડ કરી છે.


તો બીજી તરફ ભાવનગરમાં નશાની હાલતમાં કારચાલકે એક વૃદ્ધને લીધા અડફેટે લેતા, વૃદ્ધને ઇજા પહોંચી હતી. શહેરના કલેક્ટર કચેરી પરના રોડ પર નશામાં ધૂત ડ્રાઇવરે ઓવરસ્પીડમાં કાર ચલાવી અન્ય લોકોનાં  જીવ પણ જોખમમાં મૂક્યાં હતા. સ્થાનિક લોકોએ આ ડ્રાઇવરને પકડીને નજીકના પોલીસ સ્ટેશન ખાતે સોંપ્યો  હતો. તપાસ કરતા GBB 9064 નંબરની કારમાંથી  દારૂની બોટલો પણ મળી આવી હતી. ભાવનગર શહેરમાં નશાની હાલતમાં ડ્રાઇવિંગ કરવાના આ પ્રકારના કિસ્સાઓ સતત વધી રહ્યા છે.


રાજકોટના જેતપુરમાં પણ  બાઈક ચાલકે 80 વર્ષીય વૃદ્ધા ને હડફેટે લેતા રાજકોટમાં સારવાર દરમિયાન તેમનું  મોત નિપજ્યું હતુ. જેતપુર જૂનાગઢ રોડ ફાટક પાસે રોડ ક્રોસ કરતી વખતે  અકસ્માત સર્જાયો હતો. વૃદ્ધાને ઇજા થતા જૂનાગઢ  બાદ રાજકોટ સારવાર અર્થ શિફટ કરવામાં આવ્યા હતા. જ્યાં  સારવાર દરમિયાન  વૃદ્ધાનું મોત થયું હતું. ઉલ્લેખનિય છે કે, વૃદ્ધા તેમના ભાઈનું સ્વાસ્થ્ય ખરાબ હોવાથી ખબર અંતર પૂછવા માટે  જેતપુર થી વડાલ જવા નીકળ્યા હતા દરમિયાન પૂરપાટ ઝડપે બેદરકારીથી ચાલવતા બાઇક ચાલકે તેમને અડફેટે લેતા તેમનું મોત નિપજ્યું હતું. સાંજના સમયે પોતાના ઘરે થી નીકળી વડાલ જવા નીકળીયા હતા,જેતપુર પોલીસે બાઈક ચાલક સામે કાર્યવાહી કરવા તજવીજ હાથ ધરી છે.