ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલને બદનામ કરવાના કેસમાં ભાજપે ત્રણેય કાર્યકરોને સસ્પેન્ડ કર્યા હતા. રિપોર્ટ આપ્યા બાદ સુરત જિલ્લા ભાજપ પ્રમુખે કાર્યવાહી કરી હતી. સક્રિય સભ્ય ,પ્રાથમિક સભ્ય અને પક્ષમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. જિલ્લા ભાજપ પ્રમુખે રાકેશ સોલંકી ( પ્રભારી ઉમરપાડા તાલુકા ભાજપ ) ,હરદીપસિંહ અટોદરિયા ( કારોબારી ચેરમેન, તરસાડી નગર પાલિકા ) ,દેવેન્દ્ર સિંહ ચૌહાણ (પ્રમુખ, તરસાડી નગર ભાજપ ) ને સસ્પેન્ડ કર્યા હતા.
આ મામલે રાકેશ સોલંકીની ફરીવાર ધરપકડ કરવામાં આવી હતી. સંદીપ દેસાઇની અરજી પર ફરીવાર ધરપકડ કરાઇ હતી. ચોર્યાસી વિધાનસભા બેઠકના ધારાસભ્ય સંદીપ દેસાઈને બદનામ કરવાનું ષડયંત્ર સામે આવ્યુ છે. આ મામલે ભાજપના ધારાસભ્ય સંદીપ દેસાઈએ સુરત ક્રાઈમ બ્રાંચમાં ફરિયાદ નોંધાવી છે. સીઆર પાટીલને બદનામ કરવા ફરતી કરેલી પત્રિકામાં સંદીપ દેસાઈને પણ બદનામ કરતું લખાણ લખાયું હોવાના કારણે ફરિયાદ નોંધાઈ છે. મોટા માથાઓએ બદનામ કરવાનું ષડયંત્ર રચ્યાની આશંકા છે. સીઆર પાટીલ અને સંદીપ દેસાઈને બદનામ કરવાના ષડયંત્રને લઈને રાજકારણ ગરમાયું છે.
પોલીસે 3 આરોપીની ધરપકડ કરી
દિપુ યાદવ- રાકેશ સોલંકી
- ખુમાનસિંહ
ગુજરાત ભાજપના અધ્યક્ષ સી આર પાટીલની છબી ખરડવાનું ષડયંત્ર સામે આવ્યું છે. આ ષડયંત્ર પાછળ ભાજપના જ નેતાનું નામ સામે આવ્યું છે. આ ષડયંત્રમાં પૂર્વ મંત્રી અને ભાજપના જ ધારાસભ્ય ગણપત વસાવાની સંડોવણી હોવાનો સૂત્રોનો દાવો છે. ગણપત વસાવાના સમર્થકો સામે કાર્યવાહીનો તખ્તો તૈયાર થઈ ગયો છે. ગણપત વસાવા ભાજપના વર્તમાન ધારાસભ્ય હોવાથી તેમની સામે પગલાં લેવાશે કે નહીં તે એક સવાલ છે. ગણપત વસાવા સામે કાર્યવાહીથી ભાજપની આબરૂ ખરડાવાની ભીતિ છે. જિનેન્દ્રના વિડિયો બાદ ગણપત વસાવાના સમર્થકોએ પત્રિકાઓ ફરતી કરી હોવાનું પોલીસ તપાસમાં ખુલ્યું છે.
જોકે આ મામલે ગણપત વસાવાએ ખુલાસો કર્યો છે. ગણપત વસાવાએ એબીપી અસ્મિતા સાથેની વાતચીતમાં કહ્યું છે કે, તેમને આ મામલે કોઈ જાણકારી નથી અને તે આવા કોઈ ષડયંત્રમાં સામેલ નથી. તેમણે કહ્યું કે, જો કોઈ કાર્યકરનું નામ સામે આવ્યું હોય તો પોલીસ કાયદાકીય કાર્યવાહી કરી શકે છે.