સુરતમાં સતત ક્રાઈમમાં વધારો જોવા મળી રહ્યો છે.  ગુનેગારો બેફામ રીતે વર્તન કરી રહ્યાં છે.  પોલીસ કર્મચારીઓ પણ  કાયદાનું ઉલ્લંધન કરી રહ્યાં છે. આવામાં સામાન્ય નાગરિકોનું શું કહેવું. સુરત શહેરમાં બુટલેગરે મોડી રાત્રે લગ્નનો જમણવાર યોજ્યાની ઘટના સામે આવી છે. મોડી રાત સુધી જમણવાર ચાલ્યો હતો. સુરતમાં ખુલ્લેઆમ નાઈટ કરફ્યૂના નિયમોનું ખુલ્લેઆમ ઉલ્લંઘન કર્યું છે. 


પ્રાપ્ત માહિતી અનુસાર, સુરતની પાંડેસરા પોલીસને રાત્રે માહિતી મળી હતી કે, ડુંડી ગામમાં લગ્ન યોજાઈ રહ્યાં છે. પોલીસે ઘટના સ્થળ પર જઈને જોયું તો ત્યાં લગ્નનો જમણવાર ચાલી રહ્યો હતો. મોટાપાયે લોકો એકઠા થયા હતા. લગ્નના સમારોહમાં સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા ઉડાડવામાં આવ્યા હતા. આ લગ્ન સમારોહનો વીડિયો પણ સામે આવ્યો છે. 


આ લગ્ન સમારોહ યોજનાર બીજુ કોઈ નહિ, પણ એક લિસ્ટેડ બુટલેગર હતો. પોલીસના નાક નીચે આ બુટલેગરે લગ્નનું આયોજન કર્યું હતું. પાંડેસરા પોલીસે આ સમારોહ યોજવા બદલ 10 લોકોની અટકાયત રાત્રે કરી લીધી હતી. હવે બુટલેગરોમાં પણ સુરત પોલીસનો ડર નથી રહ્યો તેવુ લાગી રહ્યું છે. સુરત શહેરમાં સતત સામે આવી રહ્યાં છે, જે પોલીસ માટે પણ એક મોટો પડકાર બની રહ્યો છે.


ઉલ્લેખનીય છે કે, પોતાના ટ્રાન્સફરની પાર્ટી યોજનાર સિંગણપોર પોલીસ મથકમાં ફરજ બજાવતા પી.આઈ એ.પી શેલૈયાને સસ્પેન્ડ કરાયા હતા. પોતાની બદલીને લઈ ફાર્મ હાઉસમાં વિદાય સમારંભ યોજવામાં આવ્યો હતો. તેમણે ભવ્ય કાર્યક્રમ યોજી જાહેરનામાનો ભંગ કર્યો હતો. ત્યારે સુરત પોલીસ કમિશનર અજય તોમર દ્વારા તેને સસ્પેન્ડ કરાયા છે.