સુરતઃ આગામી 22મી ઓગસ્ટે રક્ષાબંધન છે, ત્યારે રક્ષાબંધન પહેલા સુરતમાં બહેનને નવજીવન આપવા 37 વર્ષના ભાઈએ કિડનીની અમૂલ્ય ભેટ આપી છે. કિડની ફેલ થતાં ડાયાલિસિસ ચાલતું હતું. બહેનને નવું જીવન આપવા માટે ઉપયોગી થઈ એ માટે હું પોતાને નસીબદાર માનું છું, તેમ ભાઈએ જણાવ્યું હતું.
રક્ષાબંધનના પર્વ પહેલાં જ એક ભાઈએ પોતાની બહેનને કિડની ડોનેટ કરી જીવનની રક્ષાની અમૂલ્ય ભેટ આપી છે. વ્યારાના 42 વર્ષીય લતાબેનની 4 વર્ષ અગાઉ કિડની ફેલ થઈ જતા છેલ્લા દોઢ વર્ષથી તેઓ ડાયાલિસિસ કરાવતા હતા. મેટાસ હોસ્પિટલના ડો. વત્સા પટેલે લતાબેનને કિડની ટ્રાન્સપ્લાન્ટની સલાહ આપી હતી. બારડોલી ખાતે રહેતા લતાબેનના 37 વર્ષીય ભાઇ હિતેશભાઈની કિડની મેચ થતા તેઓ ડોનેટ કરવા તૈયાર થયા હતા. 27 જુલાઈએ ડો.વત્સા પટેલ, અનિલ પટેલ, યુરોલોજીના ડો. ચિરાગ પટેલ સહિતની 50 સભ્યોની ટીમ દ્વારા પ્રથમ સફળ લાઈવ કિડની ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવ્યું હતું.
બહેનને કિડનીની ભેટ આપનાર હિતેશભાઈએ જણાવ્યું હતું કે એક કિડની દ્વારા પણ હું સામાન્ય જીવન જીવી શકું તેમ છતા બહેને ચિંતા વ્યક્ત કરી હતી. કિડની ટ્રાન્સપ્લાન્ટ પહેલાં તબીબે પણ મને પુછ્યું હતું ત્યારે મે તેમને કહ્યું હતું કે રક્ષાબંધન આવે છે અને મારી બહેન માટે આનાથી વિશેષ રક્ષાબંધનની કઈ ભેંટ હોય શકે કે મારી કિડની મારી બહેનને નવું જીવન આપવા માટે ઉપયોગી થઈ તે માટે હું પોતાને નસીબદાર માનું છું.