Surat Chori News: સુરતમાં વધુ એક મોટી ચોરીની ઘટનાને ચોરોએ અંજામ આપ્યો છે, આ સાથે જ પોલીસની કામગીરી પર પણ સવાલો ઉઠ્યા છે. સુરતના કતારગામ વિસ્તારમાં ગઇ મધરાત્રે એક બંગલામાં ચોર ઘૂસ્યા અને 6.88 લાખ રૂપિયાની ચોરી કરી ફરાર થઇ ગયા હતા, આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઇ ગઇ છે. ખાસ વાત છે કે, જ્યારે આ ઘટના ઘટની તે સમયે બંગલાના માલિક વેપારી દમણ ફરવા ગયા હતા, જોકે, ઘરમાં લાગેલા કેમેરાનો સીસીટીવી વીડિયો મોબાઇલ જોયો ત્યારે ચોર મોબાઇલમાં દેખાય હતા. હાલ પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.  


મળતી માહિતી પ્રમાણે, સુરત શહેરમાં ચોરીની ઘટનાથી પોલીસ તંત્રની કામગીરી પર સવાલો ઉઠ્યા છે. હાલમાં જ સુરતના કતારગામ પોલીસની હદમાં આવેલા એક બંગલામાં 6 લાખથી વધુની ચોરી થઇ છે. શહેરના સુમુલ ડેરી રૉડ નજીક એક બંધ બંગલામાં ગઇ મધરાત્રે બે ચોર ઘૂસ્યા હતા, આ ચોરોએ ચોરી કરવા માટે રસોડાની ગ્રીલ કાપીને ઘરની અંદર એન્ટ્રી કરી હતી, ત્યારબાદ ઘરમાંથી ૬.૮૮ લાખની મતા ચોરીને ફરાર થઇ ગયા હતા. જ્યારે ચોર ઘરમાં ઘૂસ્યા તે સમયે ઘરના હૉલમાં લગાવેલા સીસીટીવી કેમેરામાં આ સમગ્ર ઘટના કેદ થઇ ગઇ હતી, અને આ સીસીટીવી કેમેરાનું  નૉટિફિકેશન માલિક વેપારીને પહોંચ્યુ હતુ. જ્યારે ચોર ચોરી કરવા ઘરમાં ઘૂસ્યા હતા તે સમયે માલિક સુરતમાંથી બહાર દમણ ફરવા ગયા હતા. ચોરે સીસીટીવીમાં કોઇપણ સીન રેકોર્ડ ના થાયે તે માટે કપડું પણ ઢાંકી દીધુ હતુ, જોકે, તે પહેલા કેટલાક સીન કેપ્ચર થઇ ગયા હતા. હાલમાં આ સમગ્ર ઘટના અંગે સુરતના કતારગામ પોલીસે ગુનો નોંધીને સીસીટીવીના આધારે વધુ તપાસ હાથ ધરી છે. 


ભાવનગરમાં બે ઘરમાં તસ્કરો ત્રાટક્યા,  સોનાના દાગીના અને રોકડ લઈ ફરાર


ભાવનગરમાં બે સ્થળો પર ચોરીની ઘટના બની છે.  શહેરના કાળીયાબીડ વિસ્તારમાં તસ્કરો ત્રાટકી રૂપિયા 1.22 લાખની મત્તા ઉઠાવી ગયા હતા.  પરિવાર પાલીતાણા હાથસણી ગામે વતન ગયો હતો અને તસ્કરોએ બંધ મકાનને નિશાન બનાવ્યું હતું.  અજાણ્યા શખ્સોએ રહેણાકી મકાનમાં મેઈન દરવાજાના તાળા તોડી ગેરકાયદેસર પ્રવેશ કરી ચોરી કરી નાસી છૂટ્યા હતા.  મકાનમાં પ્રવેશ કરી  કબાટમાં રાખેલા રૂપિયા 50,000  રોકડ સોનાની બે નંગ બુટી, લેપટોપ, રૂપિયા ભરેલો લાકડાનો ગલ્લો અને એક મોબાઇલ મળી કુલ રૂપિયા 1,22,998 ના મુદ્દામાલની ચોરી થયાની નીલમબાગ પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે. જયારે શહેરના રિંગ રોડ પર આવેલી સોસાયટીમાં પણ ચોરીની ઘટના બની હતી. સમ્રાજ્ય સોસાયટીમાં રહેતા એડવોકેટ પરિવાર માતાના ઘરે ગયા હતા.  તે સમયે તસ્કરો ત્રાટકી સોનના દાગીના અને રોકડ સહીત રૂપિયા 1.75 લાખ ઉઠાવી નાસી છૂટ્યા હતા. જે બનાવ અંગે ઘોઘારોડ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.  પોલીસે બન્ને ઘટનામાં અજાણ્યા શખ્સો સામે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.   


સિહોર પોલીસની દાદાગીરી, વેપારી પાસેથી લૂંટી રહી છે સામાન


ભાવનગર જિલ્લાનું સિહોર તાલુકાનું પોલીસ મથક વિવાદોથી ઘેરાયું છે જેને લઈને અનેક સવાલો પોલીસ પર ઊભા થઈ રહ્યા છે. સિહોર પોલીસ દ્વારા કરવામાં આવતી કન્નડગત અને નિર્દોષ વ્યક્તિને મારવામાં આવી રહ્યા છે જેને લઈને સિહોરની જનતામાં ભારે રોષ પોલીસ સામે ઉઠ્યો છે. પોલીસ દ્વારા મફતમાં દુકાનદારો પાસે લૂંટફાટ મચાવવામાં આવે છે જેનો વિડીયો વાયરલ થયો છે. આમ પોલીસ દ્વારા કરવામાં આવતી પરેશાનીને લઈને આજે સિહોરની જનતા સિહોર પોલીસ સ્ટેશન ખાતે એકઠી થઈ હતી.


પોલીસ દ્વારા મફતમાં લૂંટફાટ મચાવવામાં આવે છે


રાજ્યમાં પોલીસનું કામ કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જાળવવાનું છે પરંતુ ભાવનગરનું સિહોર પોલીસ મથક કે જે હાલ ચર્ચાનું કેન્દ્ર બન્યું છે. જેનું કારણ એ છે કે સિહોર પોલીસના વિડીયો વાયરલ થયા છે જેને લઈને સિહોર પોલીસ પર અનેક સવાલો ઉઠી રહ્યા છે. ટાણા રોડ પર આવેલ ભવાની દુકાન પરથી પોલીસ અવારનવાર મફતમાં ચીજ વસ્તુઓ લઈ રહી છે જેને લઈને વેપારીઓનું કહેવું છે કે રોજનું લાવીને રોજ ખાતા હોય છે અને પરિવારનો ગુજરાન ચલાવતા હોય છે તેવામાં પોલીસ દ્વારા મફતમાં લૂંટફાટ મચાવવામાં આવે છે જેના કારણે ધંધો કરવો પણ મુશ્કેલ બન્યો છે.