Surat News: આગામી લોકસભા ચૂંટણીના પગલે કાપડ બજારમાં સારા વેપારની આશા જાગી છે. અનેક વિપરીત સંજોગોમાં મંદીનો સામનો કરતા કાપડ બજારને વેપારની આશાનું નવું કિરણ જાગ્યું છે. ચૂંટણી દરમિયાન દક્ષિણના રાજ્યોમાંથી સૌથી વધુ સાડીઓની ડિમાન્ડ હોય છે. સુરતમાં 78,000 કાપડના વેપારીઓ છે. જેની સામે 6,000 ચૂંટણીલક્ષી મટીરીયલ બનાવતા વેપારીઓનો સમાવેશ થાય છે. અત્યાર સુધીમાં દસ લાખ ટોપી અને ખેસના ઓર્ડર મળ્યા છે. રૂપિયા 100 થી લઈ રૂપિયા 120 સુધીની કિંમતની સાડીની વધુ માંગ હોય છે. અંદાજિત પાંચ કરોડના વેપારની આશા છે.


દેશમાં લોકસભા ચૂંટણીને લઈને રાજકીય પક્ષો સક્રિય બન્યા છે ત્યારે ચૂંટણીમાં પ્રચાર સામગ્રી તૈયાર કરવાની કામગીરી પણ પૂરજોશમાં ચાલી રહી છે. નારોલ વિસ્તારમાં એક યુનિટમાં ભાજપના ટીશર્ટ તૈયાર કરવામાં આવી રહ્યા છે. આ વર્ષે તૈયાર કરવામાં આવેલ ટીશર્ટની ખાસીયત એ છે કે આ ટીશર્ટ કોલરવાળા છે, ઉપરાંત આગળના ભાગમાં ડાબી તરફ કમળનું નિશાન છે. ટીશર્ટ તૈયાર કરનાર યુનિટ સંચાલક સંયમ ભાઈનું કહેવું છે કે ડાબી બાજુ કમળનું નિશાન રાખવાનું કારણ એ છે કે ભાજપના કાર્યકર્તાઓમાં પક્ષ એ દિલમાં વસેલો છે, જેથી કાર્યકર્તા આ ટી શર્ટ પહેરે ત્યારે કમળનું નિશાન ડાબી તરફ આવે એ પ્રકારે રાખવામાં આવ્યું છે.


આ ઉપરાંત ટીશર્ટનો પાછળનો ભાગ ફુલ પ્રિન્ટ છે. મતલબ કે પાછળના ભાગમાં સૌથી ઉપર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની તસવીર છે. જેની નીચે નવા સંસદ ભવનની તસવીર અને તેની નીચે ફિર એક બાર મોદી સરકારનું સૂત્ર સાથેનું નિશાન જોવા મળી રહ્યુ છે. સામાન્ય દિવસોમાં આ યુનિટમાં વિવિધ ખાનગી કંપનીઓના ઓર્ડર પ્રમાણે ટીશર્ટ તૈયાર કરવામાં આવતા હોય છે, પરંતુ ખાસ લોકસભા અથવા તો વિધાનસભા ચૂંટણીના સમયે આ યુનિટ 24 કલાક ધમધમી રહ્યા છે. પરિસ્થિતિ એવી છે કે સામાન્ય દિવસો કરતા વર્ક લોડ વધારે હોય છે, જેથી કુશળ કારીગરો મળવા પણ મુશ્કેલ જણાઈ રહ્યા છે. અલગ અલગ યુનિટમાં અલગ અલગ પ્રકારની પ્રચાર પ્રસારની સામગ્રી તૈયાર કરવામાં આવી રહી છે. સૌથી પહેલા ટીશર્ટ તૈયાર કરવા માટે કાપડનું કટીંગ થાય છે. કટીંગ થયા બાદ પ્રિન્ટ કરવામાં આવે છે અને પ્રિન્ટ થયેલ રો મટીરીયલને કારીગરો તબક્કાવાર સિલાઈ કામ કરી ટીશર્ટ તૈયાર કરી રહ્યા છે. આ યુનિટમાં એક લાખથી વધારે ભાજપની અને અન્ય ઉમેદવારો દ્વારા ટીશર્ટ તૈયાર કરવાના ઓર્ડર મળ્યા છે.