સુરત: રાજ્યમાં કોરોના વાયરસનું સંક્રમણ સતત વધી રહ્યું છે. સુરત શહેરમાં કોરોના સંક્રમણને વધતુ અટકાવવા માટે સુરત મનપા દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. શહેરમાં સંક્રમણને વધતુ અટકાવવા મહાનગરપાલિકા દ્વારા કડક વલણ અપનાવવામાં આવ્યું છે. શહેરમાં કોરોના સંક્રમિત વ્યક્તિ કે તેના પરિવારના સભ્યો SOPનું પાલન નહીં કરે તો તેમની સામે ફરિયાદ નોંધાવવામાં આવશે.
સુરત મહાનગરપાલિકા ફરિયાદી બની પોલીસ ફરિયાદ નોંધાવશે. કોઈપણ વ્યક્તિ કોરોના પોઝિટિવ છે તો તેણે પોતે અને પરિવારના સભ્યોએ ફરજિયાત ક્વોરન્ટાઈન રહેવા મહાનગરપાલિકાનો આદેશ છે. શહેરમાં અન્ય વ્યક્તિ કોરોનાથી સંક્રમિત ન થાય તે માટે કડક પગલાં લેવામાં આવ્યા છે.
સુરત કોર્પરેશનમાં આજે 429 કોરોના વાયરસના કેસ નોંધાયા છે. જ્યારે 296 લોકોએ કોરોના મ્હાત આપી છે. સુરત જિલ્લામાં આજે 54 કેસ નોંધાયા છે, જ્યારે 13 લોકોએ કોરોનાને મ્હાત આપી છે.
સંક્રમણમાં સતત વધારો થઈ રહ્યો છે. આજે રાજ્યમાં કોરોના આવ્યા પછીના સૌથી વધુ રેકોર્ડ બ્રેક કેસ નોંધાયા છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં 1640 નવા કેસ નોંધાયા છે. આ પહેલા 27 નવેમ્બરના રોજ 1607 કેસ નોંધાયા હતા. જ્યારે વધુ 4 લોકોના કોરોના સંક્રમણથી મૃત્યુ થયા છે. આજે રાજ્યમાં 1110 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. રાજ્યમાં અત્યાર સુધી 2,76,348, લોકો કોરોનાને મ્હાત આપી ચુક્યા છે. રાજ્યમાં કોરોનાથી રિકવરી રેટ 95.74 ટકા પર પહોંચ્યો છે. હાલ 7847 એક્ટિવ કેસ છે, જેમાંથી 73 લોકો વેન્ટિલેટર પર અને 7774 લોકો સ્ટેબલ છે.
આજે અમદાવાદ કોર્પોરેશનમાં 2, સુરત કોર્પોરેશનમાં 2 મળી કુલ 4 દર્દીના મૃત્યુ થયા છે. રાજ્યમાં અત્યાર સુધી કુલ 4454 લોકોના કોરોનાથી મોત થયા છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં 1640 કેસ નોંધાયા હતા. જ્યારે વધુ 4 લોકોના કોરોના સંક્રમણથી મૃત્યુ થયા છે.
ક્યાં કેટલા કેસ નોંધાયા ?
અમદાવાદ કોર્પોરેશનમાં 481, સુરત કોર્પોરેશનમાં 429, વડોદરા કોર્પોરેશનમાં 139, રાજકોટ કોર્પોરેશનમાં 126, સુરતમાં 54, ખેડા 41, રાજકોટ 26, ભાવનગર કોર્પોરેશન -23, દાહોદ 23 , પંચમહાલ 23, જામનગર કોર્પોરેશન 22, વડોદરા 20, ગાંધીનગર કોર્પોરેશન 19, કચ્છ 17, મોરબી 17, નર્મદા 16, ગાંધીનગર 15, પાટણ 15, ભરૂચ 14, મહેસાણા 12, અમરેલી 10, આણંદ 9, ભાવનગર 9, જુનાગઢ કોર્પોરેશન 9, ગીર સોમનાથ અને નવસારી 8-8 કેસ નોંધાયા હતા.