સુરતઃ આજે રાહુલ ગાંધી બદનક્ષીના કેસમાં સુરત સેશન્સ કોર્ટમાં હાજરી આપવાના છે. અત્યારે રાહુલ ગાંધી સુરત એરપોર્ટ પહોંચી ગયા છે. જેઓ થોડીવારમાં કોર્ટમાં હાજરી આપશે. પૂર્ણેશ મોદી દ્વારા આ બદનક્ષીનો કેસ કરવામાં આવ્યો છે. 2019માં લોકસભાની ચૂંટણીના પ્રચાર દરમિયાન રાહલુ ગાંધીએ તમામ મોદી ચોર છે, તેવું નિવેદન આપ્યું હતું. એક નિવેદન સામે માનહાનિનો દાવો કરવામાં આવ્યો છે. 


સુરત એરપોર્ટ પર રાહુલ ગાંધી પહોંચતા તેમના સ્વાગત માટે કોંગ્રેસના નેતાઓ આવી પહોંચ્યા હતા તેમજ તેમનું એરપોર્ટ ખાતે સ્વાગત કરવામાં આવ્યું હતું. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રભારી રઘુ શર્મા, પ્રમુખ અમિત ચાવડા, કોંગ્રેસ નેતા ભરતસિંહ સોલંકી,અર્જુન મોઢવડીયા સુરત એરપોર્ટ પહોંચ્યા હતા.


 રાહુલ ગાંધી આજે સુરત આવવાના છે, ત્યારે છેલ્લા બે દિવસથી ગુજરાત કોંગ્રેસ પ્રભારી રઘુ શર્મા સુરત આવી ગયા છે. ગઈ કાલે શહેરના યોગીચોકમાં કોંગ્રેસનું કાર્યકર્તા સંમેલન યોજાયું હતું. અહીં રઘુ શર્માએ કહ્યું, સીઆર પાટીલ ડોન છે. BJP સો ચુહે ખા કે બિલ્લી ચલી હજ કો જેવું છે. ચાર વર્ષ સુધી જે ચહેરા સાથે ભાજપે સરકાર ચલાવી તેને બદલી નાખવામાં આવી. 4 વર્ષ બાદ BJPને ખ્યાલ આવ્યો કે આ આ ચહેરા (વિજય રૂપાણી)થી ચૂંટણી નહીં જીતાય, ત્યારે બદલી નાખવામાં આવ્યા અને હવે પાટીદાર સમાજને ખુશ કરવા છે એટલે. પટેલને લઈ આવ્યા અને પૂરો ઠેકો તો ડોન પાસે છે. 


 


આ સંમેલનમાં ગુજરાત કોંગ્રેસ પ્રભારી રઘુ શર્મા, કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડા, વિરોધ પક્ષનેતા પરેશ ધાનાણી અને કોંગ્રેસના ધારાસભ્ય ઉપસ્થિત રહ્યા હતા. 


 


ગુજરાતમાં આગામી સમયમાં નવા કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અને વિપક્ષના નેતાની જાહેરાત થઈ શકે છે. કારણ કે, ગુજરાત કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ પદેથી અમિત ચાવડા અને વિપક્ષના નેતા પદેથી પરેશ ધાનાણીનું રાજીનામું સ્વીકારી લેવામાં આવ્યું છે. ગઈ કાલે સુરત પહોંચેલા ગુજરાત કોંગ્રેસ પ્રભારી રઘુ શર્માએ આ વાત કરી હતી. રાહુલ ગાંધીના સુરત પ્રવાસને લઈને રઘુ શર્મા પહોંચ્યા હતા. તેમમે કહ્યું કે, સુરતમાં કાર્યકર્તા સાથે મુલાકાત કરવા આવ્યો છું. ગુજરાતમાં કોંગ્રેસ સરકાર બનાવશે. 


 


તેમણે કહ્યું કે, ભાજપના પેજ કમિટી પ્રક્રિયા પ્રોપગેંડા છે. કોંગ્રેસ બુથ લેવલ પર કાર્યકર્તાઓ રાખશે. તેમણે ઉમેર્યું હતું કે, રાહુલ ગાંધીનો સુરતનો કાર્યક્રમ કોઈ રાજકીય કારણ નહીં. પ્રદેશ કોંગ્રેસના અધ્યક્ષ અને નેતા વિપક્ષ બદલવાનું નક્કી હોવાની સત્તાવાર જાહેરાત તેમણે કરી હતી.