સુરતઃ ગુજરાતમાં કોરોના સંક્રમણ ધીમું પડતાં ધીમે ધીમે રાહતો આપવામાં આવી રહી છે તેમજ સ્કૂલો પણ રાબેતા મુજબ શરૂ કરવામાં આવી રહી છે, ત્યારે સુરતની સ્કૂલમાં ફરી એકવાર કોરોનાની એન્ટ્રી થઈ છે. કોરોનાનો કેસ આવતાં સ્કૂલ સાત દિવસ માટે બંધ કરી દેવામાં આવી છે. સુરતમાં અગાઉ પણ વિદ્યાર્થીઓ કોરોના પોઝિટીવ આવી ચૂક્યા છે. 


આ અંગેની વિગતો એવી છે કે, સુરતમાં વધુ એક સ્કૂલનો વિદ્યાર્થી પોઝિટિવ આવ્યો છે. વિદ્યાકુંજ સ્કૂલનો ધો 8 નો વિદ્યાર્થી પોઝિટીવ આવ્યો છે. સ્કૂલ 7 દિવસ માટે બંધ કરવા આદેશ આપી દેવામાં આવ્યા છે. અન્ય વિદ્યાર્થીઓના પણ કોરોના ટેસ્ટ કરાયા છે. અગાઉ, ગત પાંચમી ઓક્ટોબરે પણ સ્કૂલમાં કોરોનાના કેસ નોંધાયા હતા.  સુરતની એલપી સવાણી સ્કૂલના 3 વિદ્યાર્થીઓ કોરોના પોઝિટિવ જાહેર થયા હતા. જેને પગલે આરોગ્ય તંત્રે શાળાની બંને પાળી તાત્કાલિક અસરથી બંધ કરાવી દીધી હતી. શાળા એક સપ્તાહ માટે બંધ રાખવાનો આદેશ થતાં જ સંચાલક મંડળમાં દોડધામ મચી ગઇ હતી. શાળાઓમાં ટેસ્ટિંગ વધારાયુ છે. 


ધોરણ ૧૧ સાયન્સની વિદ્યાર્થિની કોરોના પોઝિટિવ જાહેર થયા બાદ વધુ બે કેસ મળ્યા હતા. એલપી સવાણી સ્કૂલના એક જ વર્ગના 3 વિદ્યાર્થીઓ કોરોના પોઝીટીવ આવ્યા હતા. પાલિકા દ્વારા ત્રણેય વિધાર્થીઓની સોસાયટી કન્ટેન્મેન્ટ જાહેર કરી દેવામાં આવી હતી. 


ગુજરાતમાં કોરોનાના નવા 21 કેસ નોંધાયા છે. તો બીજી તરફ 18 દર્દીઓ રિકવર પણ થયા છે. અત્યાર સુધીમાં કુલ 8,15,794 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. તો બીજી તરફ કોરોનાનો રિકવરી રેટ પણ 98.76 ટકાએ પહોંચ્યો છે. રાજ્યમાં આજે કોરોના સંક્રમણથી એક વ્યક્તિનું મોત થયું છે. આજે  3,33,309 લોકોનું રસીકરણ કરવામાં આવ્યું છે. 


જો કોરોનાના એક્ટિવ કેસની વાત કરીએ તો રાજ્યમાં કુલ 182 કેસ છે. જે પૈકી 03 વેન્ટીલેટર પર છે, જ્યારે 179 નાગરિકો સ્ટેબલ છે. 8,15,794 નાગરિકોને ડીસ્ચાર્જ કરવામાં આવ્યા છે. 10084 નાગરિકોનાં અત્યાર સુધીમાં કુલ મોત નિપજ્યાં છે. આજે કોરોનાને કારણે એક દર્દીનું મોત થયું હતું. અમદાવાદ કોર્પોરેશનમાં 6, વલસાડમાં 5, સુરત  કોર્પોરેશનમાં 4, સુરતમાં બે, વડોદરા કોર્પોરેશનમાં બે, ખેડામાં એક અને મહેસાણામાં એક કોરોનાનો કેસ નોંધાયો હતો.


રાજ્યમાં રસીકરણની વાત કરવામાં આવે તો રાજ્યમાં હેલ્થકેર વર્કર અને ફ્રન્ટલાઇન વર્કર્સ પૈકી  10 કર્મચારીઓને રસીનો પ્રથમ ડોઝ અને 2947 કર્મચારીને રસીનો બીજો ડોઝ અપાયો હતો. 45 વર્ષથી વધારેની ઉંમરના 28004 નાગરિકોને  રસીનો પ્રથમ અને 61618  નાગરિકોને રસીનો બીજો ડોઝ અપાઇ ચુક્યો છે. 18-45 વર્ષ સુધીના  90644   નાગરિકોને રસીનો પ્રથમ જ્યારે 150086 નાગરિકોને રસીનો બીજો ડોઝ અપાયો હતો. આજના દિવસમાં 3,33,309 કુલ રસીના ડોઝ અપાયા છે. અત્યાર સુધીમાં 6,28,55,962 કુલ રસીના ડોઝ અપાઇ ચુક્યા છે.


અમદાવાદ,  અમરેલી, આણંદ, અરવલ્લી,  બનાસકાંઠા, ભરુચ, ભાવનગર,   ભાવનગર  કોર્પોરેશન,  બોટાદ, છોટા ઉદેપુર, દાહોદ, ડાંગ,  દેવભૂમિ દ્વારકા,  ગાંધીનગર, ગાંધીનગર કોર્પોરેશન,  ગીર સોમનાથ, જામનગર,  જામનગર કોર્પોરેશન, જુનાગઢ, જુનાગઢ કોર્પોરેશન,   કચ્છ,   મહીસાગર,  મોરબી, નર્મદા, નવસારી,    પંચમહાલ, પાટણ,  પોરબંદર, રાજકોટ, રાજકોટ કોર્પોરેશન,    સાબરકાંઠા,  સુરેન્દ્રનગર, તાપી  અને વડોદરામાં એક પણ કોરોના વાયરસનો નવો કેસ નથી નોંધાયો.