સુરતઃ સુરતમાં નવાં ચૂંટાઈને આવેલાં મેયરે હેમાલી બોઘાવાલાએ સત્તા સંભાળતાં જ વિવાદ સર્જવા માંડ્યા છે. બોઘાવાલાએ પહેલાં રસ્તા પર ઉતરીને વાહનોમાં જતાં લોકોને સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન નહીં કરવા બદલ તતડાવ્યા હતા જ્યારે પોતે મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણ વખતે સોશિયલ ડિસ્ટન્સિંગના નિયમોની ઐસીતૈસી કરીને ડાન્સ પણ કર્યો હતો.


હેમાલી બોઘાવાલાએ હવે નવો વિવાદ સર્જ્યો છે. હેમાલી બોઘાવાલાએ  ગુરૂવારે મોટા ઉપાડે જાહેરાત કરી હતી કે, સુરતમાં માસ્ક ન પહેરનાર લોકોનો દંડ  લેવામાં નહીં આવે. કોરોના કાળમાં માસ્ક નહીં પહેરનારને પાસેથી દંડ વસૂલવાની સત્તા પોલીસ પાસે છે અને આ અંગેનો આદેશ સુરત શહેરના પોલીસ કમિશ્નર બહાર પાડી ચૂક્યા છે. હેમાલી બોઘાવાલાએ પોલીસ કમિશ્નરથી પણ ઉપર હોય એ રીતે સુરતમાં માસ્ક નહીં પહેરનાર લોકો પાસેથી દંડ  લેવામાં નહીં આવે એવી જાહેરાત કરી દીધી તેના ઘેરા પ્રત્યાઘાત પડતાં તેમણે ગુલાંટ લગાવવી પડી છે. હવે તેમણે જણાવ્યું છે કે, કાયદાકીય કાર્યવાહી થશે અને સુરતમાં માસ્ક નહીં પહેરનાર લોકો પાસેથી દંડ  વસૂસ કરવામાં આવષે.


સુરતના મેયર હેમાલી બોઘાવાલાએ ગુરૂવારે જાહેરાત કરી હતી કે પોલીસ દ્વારા લોકો પાસેથી માસ્કના નામે આડેધડ વસૂલવામાં આવતો દંડ બંધ કરવાનો નિર્ણય લેવાયો છે. આ વાત ગાંધીનગર સુધી પહોંચતાં  રાજ્યના ચીફ સેક્રેટરી અનિલ મુકીમે જણાવ્યુ હતું કે, આવો કોઈ જ નિર્ણય લેવાયો નથી. દંડ માફ કરવાનો પ્રશ્ન જ ઉપસ્થિત થતો નથી.


સુરતના મેયર હેમાલી બોઘાવાલાએ પછી ગુલાંટ લગાવીને  જણાવ્યું કે, તમામ લોકોને અપીલ કે માસ્ક પહેરીને ઘરની બહાર નીકળે. કાયદાકીય કાર્યવાહી કાયદાની રીતે થશે. પ્રજાને અપીલ કે લોકોની આર્થિક પરિસ્થિતિ સારી નથી એટલે માસ્ક પહેરો તો કાર્યવાહી નહીં થાય. માસ્ક નહીં પહેરો તો તમને માસ્ક આપવામાં આવશે. કોરોનાને લઈ ટેસ્ટિંગ અને વેક્સિનેશનની કામગીરી વધુ ઝડપથી હાથ ધરવામાં આવશે.