સુરતઃ ગુજરાતમાં કોરોનાના કેસો સતત વધી રહ્યા છે. અમદાવાદ પછી સુરતમાં કોરોનાનો કહેર સૌથી વધુ છે, ત્યારે સુરતમાં એક જ દિવસમાં 37 રત્નકલાકોરોને કોરોનાનો ચેપ લાગતાં હીરા ઉદ્યોગ ચિંતામાં પડી ગયો છે. છેલ્લા 21 દિવસમાં સુરતમાં 250થી વધુ રત્નકલાકારો કોરોનાની ચપેટમાં આવી ગયા છે. ત્યારે હીરા ઉદ્યોગ પર કોરોનાના કહેરને લઈ મેરેથોન ચર્ચા શરૂ થઈ છે. બેઠકમાં સુરતમાં હીરા બજાર શનિવાર અને રવિવારે બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.


આ નિર્ણયને કારણે સુરતની મીની બજાર,ચોકસી બજાર અને મહિધરપુરા હીરા બજાર શનિવારે અને રવિવારે બંધ રહેશે. કોરોના સંક્રમણ ન વધે તે માટે સુરત ડાયમન્ડ એસોસિએશને આ નિર્ણય લીધો છે. આ નિર્ણયને કારણે હજારો કારીગરોને અસર થશે. બેઠકમાં સુરતના મ્યુનિસિપલ કમિશ્રર બંછાનિધિ પાનીએ સૂચન કર્યું હતું કે, સુરત ડાયમંડ એસોસિએશન તરફથી સારો સહકાર મળ્યો છે. કોઈપણ ડાયમંડ યુનિટમાં કોરોના પોઝિટિવ આવે તો ડાયમંડનો સેક્શન બંધ કરાશે. એકથી વધુ કોરોના પોઝિટિવ આવે તો સ્વયંભૂ યુનિટ બંધ કરાશે.

તેમણે જણાવ્યું હતું કે, ડાયમંડ બજારમાં 4 થી વધુ હીરા વેપારી એકત્રિત થશે નહીં. કારખાનામાં શિફ્ટ વાઇઝ કામ થાય. સવાર અને સાંજ એમ 2 શિફ્ટમાં ઓછા કામદારોથી કામ થાય. ડાયમંડનું પેકેટ સુપર સ્પ્રેડર ન બને તે માટે કાળજી લેવાય. ડાયમંડ પેકેટ લેવા લઈ જવા ટેકનોલોજીનો ઉપયોગ થાય. ડાયમંડ ફેક્ટરીમાં કામદાર આવે ત્યારે ગાઈડલાઈન મુજબ કામગીરી કરવી, તેમ તેમણે જણાવ્યું હતું.