સુરતઃ ગુજરાતમાં કોરોના સંક્રમણ (Coronavirus) બેકાબૂ બન્યું છે. તેમાં પણ અમદાવાદ, સુરત, રાજકોટ, વડોદરામાં સ્થિતિ દિવસેને દિવસે વણસતી જાય છે. ડાયમંડ નગરી સુરતમાં 11 દિવસનું બાળક કોરોનાથી સંક્રમિત (Surat Corona Cases) થયું છે. આ બાળકને રેમડેસિવિર ઈન્જેકનશ (Remdesivir Injection) આપવાની જરૂર ઉભી થઈ છે. 1 એપ્રિલના રોજ જન્મેલા બાળકને માતાના કારણે ચેપ લાગ્યો છે. બાળકને હાલ વેન્ટિલેટર પર રાખવામાં આવ્યું છે. સુરત ડાયમંડ એસોસિએશન (Surat Diamond Association) હોસ્પિટલ નોન કોવિડ હોવા છતાં બાળકની સારવાર શરૂ કરવામાં આવી છે. બાળકના પરિવારને આર્થિક ભારણ અને હેરાનગતિ ન ભોગવવી પડે તે માટે નિર્ણય લેવામાં આવ્યો છે.


સુરતમાં શું છે કોરોનાનું ચિત્ર


સુરત શહેર જિલ્લામાં કોરોના પોઝિટિવ કેસનો આંક વધીને 74947 પર પહોંચી ગયો છે. આ સાથે શહેર જિલ્લામાં કોરોનાથી મૃત્યુઆંક વધીને 1283 થયો છે. ગત રોજ શહેરમાં 643 લોકોને ડિસ્ચાર્જ આપવામાં આવ્યું હતું. જયારે જિલ્લામાં 129 લોકોને ડિસ્ચાર્જ આપવામાં આવ્યું હતું. અત્યાર સુધીમાં કુલ 67963 લોકોને રજા આપવામાં આવી ચૂકી છે.


ગુજરાતમાં શું છે કોરોનાની સ્થિતિ


રાજ્યમાં કોરોનાને લઈ ભયાવહ સ્થિતિ સર્જાઈ છે. રાજ્યમાં કોરોના વાયરસ (Coronavirus) ની બીજી લહેર વધુ ઘાતક બની છે. કોરોના સંક્રમણ ઝડપથી વધી રહ્યું છે. દરરોજ રેકોર્ડબ્રેક કોરોના પોઝિટિવ કેસ સામે આવી રહ્યાં છે.  રવિવારે 24 કલાકમાં રાજ્યમાં સૌથી વધુ 5469 નવા કેસ નોંધાયા હતા. જ્યારે વધુ 54નાં મૃત્યુ થયા હતા. ગઈકાલે નોંધાયેલા કેસ અત્યાર સુધીમાં એક દિવસમાં નોંધાયેલા સૌથી વધુ કેસ છે.  રાજ્યમાં કુલ મૃત્યુઆંક 4800 પર પહોંચ્યો છે. રાજ્યમાં ગઈકાલે 2976 લોકોએ કોરોનાને મ્હાત આપી છે. તેની સાથે અત્યાર સુધી 3,15,127 લોકો ડિસ્ચાર્જ થયા છે. રાજ્યમાં એક્ટિવ કેસ (Active cases)ની સંખ્યા વધીને 27000 પાર પહોંચી ગઈ છે. રાજ્યમાં હાલ એક્ટિવ કેસનો આંકડો 27568 પર પહોંચ્યો છે. જેમાંથી 203 લોકો વેન્ટિલેટર પર અને 23365 લોકો સ્ટેબલ છે. રાજ્યમાં કોરોનાથી રિકવરી રેટ 90.69 ટકા છે.