સુરતઃ ગત ફેબ્રુઆરીમાં પુણે મોકલાવેલ સેમ્પલના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે. ત્રણેય સેમ્પલમાં યુકેના નવા સ્ટ્રેઇનની પુષ્ટિ થઈ છે. ત્રણેય પોઝિટિવ વ્યક્તિની કોઈ વિદેશ ટ્રાવેલ હિસ્ટ્રી નથી. અન્ય વ્યક્તિના સંપર્કમાં આવતા યુકે સ્ટ્રેઇન પોઝિટિવ આવ્યા છે. રાંદેર ઝોનના 2 અને અન્ય 1 વ્યક્તિમાં યુકે સ્ટ્રેઇનના લક્ષણો મળ્યા છે. કોરોનાના કેસો વધતા વરાછા, સરથાણા, પાલ અને પાલનપુરમાં ફરી ક્લસ્ટર ઝોન લાગુ કરાયા છે.


કોરોનાના નવા સ્ટ્રેઇન મુદ્દે સુરત મનપારના ડેપ્યુટી હેલ્થ કમિશ્નર આશિષ નાયકે જણાવ્યું હતું કે, સુરત કોર્પોરેશનના સર્વેલન્સ સેમ્પલમાં પુનાના રિપોર્ટમાં ત્રણ દર્દીઓમાં કોરોનાના સ્ટ્રેઇન પોઝિટિવ આવ્યા છે. જેને લઈને એવું માનવાના પુરતા કારણો છે કે, છેલ્લા 15 દિવસમાં સુરત શહેરમાં વધેલા કેસોનું કારણ આ પણ હોઈ શકે. આથી તમામે તમામ શહેરીજનોને અપીલ છે કે, તેઓ સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરે. બિનજરૂરી સોશિયલાઇઝેશન ટાળે. માસ્કનો ઉપયોગ કરે. સેનેટાઇઝેશનનો ઉપયોગ કરે. પોતે સુરક્ષિત રહે, પોતાના પરિવારને સુરક્ષિત રાખે અને સુરતને પણ સુરક્ષિત રાખવામાં સુરત કોર્પોરેશનને મદદરૂપ બને.