સુરતઃ ગુજરાતમાં હાલ કોરોનાના કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે. ગુજરાતમાં અમદાવાદ પછી સુરતમાં સૌથી વધુ કોરોનાના કેસો છે, ત્યારે સુરત કોર્પોરેશન દ્વારા શહેરમાં ત્રણ જ રસ્તાંથી પ્રવેશ આપવાનો નિર્ણય લીધો છે. પલસાણા, કામરેજ અને કડોદરા સિવાયના રસ્તા બંધ કરી દેવામાં આવ્યા છે. આ અંગે સુરત મ્યુનિસિપલ કમિશ્નર બંછાનિધિ પાનીએ જાહેરાત કરી છે.


બંછાનિધિ પાનીએ માહિતી આપતા જણાવ્યું છે કે, અન્ય રાજ્યમાંથી ખાનગી વાહનોથી મોટી સંખ્યામાં લોકો સુરત આવશે. તમામ રસ્તાઓ ઉપર નજર રાખવી મુશ્કેલ હોવાથી આ નિર્ણય લેવાયો છે. સુરત આવતા લોકોના હાથ પર હોમ કોરોન્ટાઇનનો સિક્કો લાગશે. આ ઉપરાંત તેમણે અન્ય કેટલાક નિયમોનું ચુસ્તપણે પાલન કરવાનું રહેશે.

તેમણે થર્મલ સ્ક્રીનિંગ સાથે મનપાની મોબાઇલ એપ ડાઉનલોડ કરવી પડશે. તેમણે આરોગ્ય સેતુ એપ પણ ઇન્સ્ટોલ કરવી પડશે. આ ઉપરાંત તેમણે ફરજિયાત 14 દિવસ સુધી હોમ ક્વોરેન્ટાઇન રહેવું પડશે. જો કોઈ સિક્કા સાથે ફરતા પકડાશે તો ફોજદારી કાર્યવાહી કરાશે.