સુરત:  સુરતના પુણા વિસ્તારમાં બાળકી સાથે દુષ્કર્મ બાદ હત્યાના કેસમાં આરોપીને કૉર્ટે ફાંસીની સજા ફટકારી છે.  14 એપ્રિલ 2022ના ત્રણ વર્ષની બાળકી પરિવાર સાથે ફૂટપાથ પર હતી.  ત્યારે લલનસિંહ નામના આરોપીએ અપહરણ કર્યું હતું.  જ્યાંથી બાળકીને નજીકમાં આવેલા બસ પાર્કિંગમાં હેવાન લઈ ગયો જ્યાં બાળકી સાથે દુષ્કર્મ આચરી તેની હત્યા કરી નાંખી બાદમાં લાશને છૂપાવી દીધી હતી. 


આ ઘટનાના ગણતરીના દિવસોમાં પોલીસે આરોપીની ધરપકડ કરી લીધી હતી.  જે કેસ સુરત કૉર્ટમાં ચાલી જતા એડીશનલ ડિસ્ટ્રીકટ એંડ સેશન્સ જજ ડી.પી. ગોહિલે આરોપી રામપ્રસાદ ઉર્ફે લલનસિંહ ગૌણને ફાંસીની સજા ફટકારી છે. 


13મી એપ્રિલે ઘર નજીકથી બાળકીને ઉંચકીને અવાવરુ જગ્યાએ લઈ જઈ પિશાચી કૃત્ય આચર્યું હતું. સીસીટીવી કેમેરાની મદદથી આરોપીની ઓળખ થઈ હતી અને પોલીસે તેને ઝડપી લીધો હતો. ઝડપથી ચાર્જશીટ થયા બાદ કેસ ચાલ્યો હતો અને કોર્ટે હત્યા અને પોક્સોના કેસમાં 20 જુલાઈના રોજ દોષિત ઠેરવ્યો હતો.  સરકારી વકીલ નયન સુખડવાલાએ જણાવ્યું હતું કે આરોપીના સીસીટીવી ફેસ રેકોગ્નાઈઝેશન અને મેડિકલ પુરાવા આ કેસમાં મહત્વના સાબિત થયા હતા. આરોપીને ફાંસીની સજા સંભળાવવાની સાથે સાથે ભોગ બનનાર પરિવારને ત્રણ લાખનું વળતર આપવાનો પણ કોર્ટે હુકમ કર્યો છે.


આરોપીએ બાળકી પર દુષ્કર્મ તથા સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કર્યા બાદ જ્યાં દાટી હતી તે પણ પોલીસે આરોપી પાસેથી જ માહિતી મેળવી હતી અને તેના આધારે જ આરોપીને આજે આ સજા મળી હોવાનું સરકારી વકીલે વધુમાં જણાવ્યું હતું. 


સરકારી વકીલે જણાવ્યું હતું કે આ કેસમાં સુપ્રીમ કોર્ટ અને હાઇકોર્ટના ચુકાદા ટાંકવામાં આવ્યા હતા.  ગરીબ પરિવારને ન્યાય અપાવવા માટે તંત્ર પોલીસ કોર્ટ સહિત તમામ એ ખૂબ મહેનત કરી હતી અને આજે આ ચુકાદો આવ્યો છે.