Surat: સુરતમાં અપહરણ બાદ દુષ્કર્મના કેસના દોષિત સલમાનને 20 વર્ષ સખત કેદની સજા ફટકારી હતી. મળતી જાણકારી અનુસાર, શહેરના સચિન નજીકના ઉનપાટિયા વિસ્તારમાંથી શ્રમજીવી પરિવારની સગીરાને લગ્નની લાલચ આપી અપહરણ કર્યું હતું. દોષિત સલમાન સગીરાનું અપહરણ કરીને મહારાષ્ટ્ર લઇ ગયો હતો જ્યાં તેની મરજી વિરુદ્ધ દુષ્કર્મ આચર્યું હતું. બીજી બાજુ સગીરા ન મળતા તેની માતાએ સચિન જીઆઇડીસી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. બાદમાં પોલીસે તપાસ કરી આરોપી સલમાનની ધરપકડ કરી હતી અને તેની વિરુદ્ધ દુષ્કર્મનો ગુનો દાખલ કર્યો હતો. આખરે કોર્ટે આરોપી સલમાનને જેલની સજા ફટકારી હતી.




શહેરના ઉનપાટિયા વિસ્તારમાંથી શ્રમજીવી પરિવારની સગીરાને લગ્નની લાલચે અપહરણ કેસમાં કોર્ટે આરોપી સલમાનને કસૂરવાર ઠે૨વી ૨૦ વર્ષની કેદ અને ૫૦,૦૦૦ રૂપિયાનોનો દંડ ફટકાર્યો હતો. સલાબતપુરા વિસ્તારમાં રહેતા અને બિસ્લરી પ્લાન્ટમાં કામ કરતા શ્રમિક પરિવારની ૧૬ વર્ષીય સગીરા ઉન પાટિયા વિસ્તારમાં રહેતી તેની માસીના ઘરે રહેવા ગઇ હતી. જ્યાં ગત તા. ૧૪ ઓક્ટોબર ૨૦૨૨ના રોજ માસીના ઘરેથી વેફર લેવા નીકળી હતી. રસ્તામાં આરોપી સલમાન ઉર્ફે સિંઘમ ઉર્ફે દાદા સત્તાર રજાક શાહ (ઉં.વ. ૨૭, રહે, ખ્વાજાનગર, માનદરવાજા, સુરત-મૂળ રહે. બલચપુરા, જિ. જલગાંવ, મહારાષ્ટ્ર) સગીરાને લગ્નની લાલચ આપી અપહરણ કરી ગયો હતો. ત્યારબાદ સગીરાને મહારાષ્ટ્રના માચુલવાડી ખાતે લઇ ગયો હતો. ત્યાં સગીરા પર દુષ્કર્મ આચર્યું હતું. બીજી બાજુ સગીરા ન મળતાં તેની માતાએ સચિન જીઆઇડીસી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.       


જેના આધારે સલમાનને ઝડપી પાડવા માટે પોલીસે તપાસ શરૂ કરી હતી. બાદમાં પોલીસે સલમાન ઉર્ફે સિંઘમની ધરપકડ કરી હતી. આ કેસ અંગે પોલીસે કોર્ટમાં ચાર્જશીટ રજૂ કરી હતી. સરકાર તરફથી એપીપી દિપેશ દવેએ કોર્ટ સમક્ષ ધારદાર દલીલ કરી હતી જેમાં જણાવ્યું હતું કે સગીરાને લગ્નની લાલચ આપી આરોપી દ્વારા દુષ્કર્મ આચરાયું છે જે ગંભીર બાબત છે. કસૂરવારને સખત સજા થાય તો અન્ય શખ્સો આવું હીન કૃત્ય કરતા વિચારશે. જેથી સેશન્સ કોર્ટે સલમાનને કસૂરવાર ઠેરવી ૨૦ વર્ષ સખત કેદની સજા અને ૫૦,૦૦૦ રૂપિયાનો દંડ ફટકારતો આદેશ આપ્યો હતો. આ દંડની રકમમાંથી પીડિત સગીરાને ૪૫,૦૦૦ ચૂકવવા કોર્ટે હુકમ કર્યો હતો.