સુરત ક્રાઇમ બ્રાન્ચે વેસુ કેનાલ રોડ પરથી બાંગ્લાદેશી યુવકની ધરપકડ કરી હતી. મળતી જાણકારી અનુસાર, સુરત ક્રાઇમ બ્રાન્ચે શહેરમાં બાંગ્લાદેશી યુવકની ધરપકડ કરી હતી. તપાસમાં ખુલાસો થયો હતો કે આ યુવકનું નામ અબુ બકર હજરત અલી ઉર્ફે અલીમ હક બયજરઅલી ખાન છે અને તે વોન્ટેડ આરોપી અને બાંગ્લાદેશનો રહેવાસી હુમાયુખાન સાથે સંકળાયેલો છે. હુમાયુખાનને એનઆઇએએ વોન્ટેડ જાહેર કર્યો છે.


આરોપી અબુ બકર હજરત અલી વર્ષ 2015થી અમદાવાદ ખાતે નામ બદલીને રહેતો હતો. આરોપીએ અમદાવાદમાં ગૌતમ નામની ઓળખ આપી ભારતીય આધારકાર્ડ બનાવ્યું હતું. જેના આધારે ભારતીય મોબાઈલ નંબર મેળવ્યો હતો અને તેનો ઉપયોગ કરતો હતો. તપાસ કરતા આરોપી પાસેથી ભારતીય આધારકાર્ડ, ગર્વમેન્ટ ઓફ ધી પીપલ્સ રિપબ્લિક ઓફ બાંગ્લાદેશનું નેશનલ આઈડી કાર્ડ, અંગ્રેજી તથા બાંગ્લાદેશી ભાષાનું જન્મનું પ્રમાણપત્ર મળી આવ્યું હતું. હાલ તો પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી.


ગયા મહિને પણ સુરતમાંથી બાંગ્લાદેશી યુવતી ઝડપાઇ હતી. સુરત શહેરના સારોલી વિસ્તારમાં આ મહિલા રહેતી હતી અને શહેરના એક સ્પામાં કામ કરતી હતી, જ્યારે એસઓજીને ઘૂસણખોરી કરનારી મહિલા વિશે બાતમી મળી તો પોલીસે તરત જ એક્શનમાં આવીને તેને ઝડપી પાડી હતી. ઝડપાયેલી બાંગ્લાદેશી મહિલા પાસેથી ભારતનું નકલી આધાર કાર્ડ પણ મળી આવ્યુ હતુ. ઉલ્લેખનીય છે કે, આ પહેલા પણ અનેકવાર બાંગ્લાદેશી સુરત શહેરમાં રહેતા હોવાનું નેટવર્ક પકડાયુ હતુ.


પહેલા પણ પકડાયા હતા બાંગ્લાદેશીઓ 


મળતી માહિતી પ્રમાણે, સુરત શહેરમાંથી શહેર SOG પોલીસે જબરદસ્ત કાર્યવાહી કરતાં કુલ 6 બાંગ્લાદેશી ઘૂસણખોરોને ઝડપી પાડ્યા છે. SOGની ટીમે શહેરમાંથી અલગ અલગ જગ્યાએ કુલ 6 બાંગ્લાદેશીઓને પકડી પાડ્યા છે. પોલીસે શહેરના ઉધનામાંથી 2, પુણા વિસ્તારમાંથી 2 અને સારોલી વિસ્તારમાંથી 2 બાંગ્લાદેશી ઘૂસણખોરોને ઝડપી પાડ્યા છે. ચોંકાવનારી વાત તો એ છે કે, શહેરમાંથી પકડાયેલા આ 6 બાંગ્લાદેશીઓ પાસેથી ભારતીય આધાર કાર્ડ પણ મળી આવ્યા છે, આ લોકો પાસેથી બાંગ્લાદેશી હોવાના પુરાવાઓ પણ મળ્યા છે, એટલુ જ નહીં એક બાંગ્લાદેશી પાસેથી પોલીસે પાસપોર્ટ પણ જપ્ત કર્યો છે. ભારતીય આધાર કાર્ડ અને પાસપોર્ટ મળી આવતા પોલીસ પણ ચોંકી ગઇ છે. હાલમાં આ કેસના તપાસ ચાલી રહી છે.