Surat Crime News: સુરતમાં ફરી એકવાર મોટી લૂંટની ઘટના સામે આવી છે, 16 લાખથી વધુની લૂંટની ઘટના ઘટ્યા બાદ શહેરીજનો અને ધંધાદારીઓમાં ફફડાટ ફેલાયો છે. સુરતના વરાછામાં એક આંગડિયા પેઢીમાં કર્મચારીને નકલી પોલીસે લૂંટી લીધો, નકલી પોલીસ નકલી રૌફ બતાવીને 16.50 લાખ રૂપિયા પડાવી લીધા અને ફરાર થઇ ગઇ હતી. આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઇ ગઇ છે. હાલમાં વરાછા પોલીસે ઘટના અંગે તપાસ શરૂ કરી છે. 

સુરતમાં લૂંટની ઘટનાથી ચકચાર મચી ગઇ છે. સુરતમાં વરાછા રૉડ પર એક આંગડિયા પેઢીનો કર્મચારી લૂંટનો ભોગ બન્યો છે. વરાછા વિસ્તારમાં પોલીસનો સ્વાંગ રચીને આંગડિયા પેઢીના કર્મચારીને લૂંટી લેવામાં આવ્યો હોવાનો બનાવ સામે આવ્યો છે. જેમાં કાર લઈને આવેલા 4 ઈસમોએ આંગડિયા પેઢીના કર્મચારીને બેગમાં ગાંજો હોવાનું કહીને લાફા ઝીંકીને રૂ. 16.56 લાખની મત્તા લૂંટી લીધી હતી. આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ, અમરેલી જિલ્લાના લાઠીગામ ખાતે રહેતા રાજેશસિંહ ગલાબજી રાજપૂત (52) આંગડીયાના વ્યવસાય સાથે સંકળાયેલા છે. ગત 15 જૂનના રોજ તેમને ત્યાં કામ કરતો કર્મચારી નીકુલસિંહ રાજપૂત અમદાવાદ ખાતેથી ટ્રાવેલ્સમાં બેસીને હીરા તથા સોના-ચાંદીના પાર્સલનો થેલો લઇને સુરત વરાછા વૈશાલી ત્રણ રસ્તા ખાતે મળસ્કે સાડા ચારેક વાગ્યે આવ્યો હતો અને ડ્રાઈવરની રાહ જોઇને ઉભો હતો.

આ સમયે ત્યાં એક કારમાં ચાર અજાણ્યા ઈસમો આવ્યા હતા અને પોતાની પોલીસ તરીકે ઓળખ આપી નિકુલસિંહને તારી બેગમાં ગાંજો છે, કહીને કારમાં બેસાડી દીધો હતો. જે બાગ ચાલુ કારમાં નિકુલસિંહને લાફા મારીને તેની પાસે રહેલો મોબાઈલ ફોન, સોના-ચાંદી અને હીરાના પાર્સલ મળીને કુલ 16.56 લાખની મત્તાની લૂંટ ચલાવી ફરાર થઈ ગયા હતા. આ બાબતે નિકુલસિંહે પોતાના શેઠ રાજેશસિંહ રાજપૂતને જાણ કરતાં તેમણે વરાછા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. આ ફરિયાદના આધારે પોલીસે ફરાર થઈ ગયેલા લૂંટારું ટોળકીની ધરપકડ માટે તપાસના ચક્રો ગતિમાન કર્યાં છે.