સુરતઃ સુરતના વરાછા હીરાબજારમાંથી 12 કરોડના હીરા લઈને ભાગી ગયેલો તનસુખ વાણિયા ઝડપાઈ ગયો છે. તનસુખ ભુજમાં પોતાની સાસરીમાં જઈને સંતાઈ ગયો હતો. પોલીસને બાતમી મળતાં ઈકોનોમિક સેલે તેને ઝડપી લીધો છે. અગાઉ તેના ભાગીદાર દિનેશ કુરજી ચોડવડીયા અને તેમના પુત્ર કિશન ચોડવડીયાની ઈકો સેલે ધરપકડ કરી હતી.


આરોપી તનસુખ માદાભાઈ વાણીયા અને દિનેશ કુરજી ચોડવડિયાએ હેતલ જેમ્સના નામે મીની બજાર વરાછા ખાતે હીરાનો વેપાર કરે છે. દિનેશની સાથે તેમનો દીકરો કિશન ઓફિસમાં બેસતો હતો. તનસુખે પહેલાં વરાછામાંથી અલગ અલગ પાર્ટીઓ પાસેથી 10 કરોડના હીરા ક્રેડિટ પર લીધા હતા.   કાપોદ્રામાંથી 2 કરોડના હીરા આ  જ રીતે ક્રેડિટ પર લીધા હતા. કુલ 12 કરોડના હીરા લઈને ઓફિસ બંધ કરી તનસુખ અને તેનો ભાગીદાર ફરાર થઈ ગયા હતા.


આ ઉપરાંત તેમણે 2.70 કરોડના હીરા જયરાજ પાસેથી ઉધારમાં લીધા હતા. આ પૈકી માત્ર 58 લાખ ચૂકવ્યા હતા અને  2.12 કરોડ બાકી રાખ્યા હતા. તેમણે  વધુ હીરાની માંગ કરતા જયરાજે મુંબઈ બીકેસીની ઓફિસેથી 3.28 કરોડના હીરા દુબઈ ખાતે પરીશી ડાયમંડ એન્ડ ગોલ્ડ જ્વેલર્સ કંપનીમાં એક્સપોર્ટ કર્યા હતા. આમ જયરાજે કુલ 5.40 કરોડ લેવાના હતા. આરોપી દિનેશ અને કિશને રૂપિયા ચૂકવવા વિશ્વાસ આપ્યો હતો  પરંતુ તેઓએ રૂપિયા ચૂકવ્યા ન હતા. તેમની ઓફિસ પણ બંધ હતી. તનસુખ વાણીયા રૂપિયા ચૂકવી આપ્યા છે એવી ખોટી ચિટ્ઠી લખી ક્યાંક ચાલી જતાં જયરાજે ત્રણેય વિરુદ્ધ વરાછા પોલીસ સ્ટેશનમાં છેતરપિંડીની ફરિયાદ નોંધાવી હતી.