સુરતઃ રત્નકલાકાર સંઘના પ્રમુખનું રહસ્યમય મોત થતાં સમગ્ર સુરત અને હીરા ઉદ્યોગ સાથે સંકળાયેલા લોકોમાં ભારે ચકચાર જાગી છે. જયસુખ ગજેરાએ તાપી નદીમાં કૂદીને આત્મહત્યા કરી લીધી છે. ગેજેરાએ કામરેજના કઠોર ખાતે તાપી નદીમાં કૂદી જઈ આત્મહત્યા કરી લીધી હતી. ગઈ કાલે કઠોર તાપી કિનારેથી તેમનો મૃતદેહ મળી આવ્યો હતો.


રત્નકલાકાર વિકાસ સંઘના જયસુખ ગજેરાએ આપઘાત પહેલા નડિયાદમાં રહેતા તેના મિત્ર આશિષને આપઘાત કરવા જાઉં છું તેવો ફોન કર્યો હતો. જીવનથી કંટાળી ગયો છું અને આપઘાત કરવા જાઉં છું તેવી વાત કરી હતી. જ્યારે પત્નીને કામરેજ તરફ કામ છે, આવતા મોડું થશે તેવું જણાવ્યું હતું. એટલું જ નહીં એવું પણ જાણવા મળ્યું છે કે, રત્નકલાકાર સંઘમાંથી જયસુખ ગજેરા રાજીનામું આપવા માંગતા હતા.

રત્નકલાકાર વિકાસ સંઘના પ્રમુખ જયસુખ ગજેરાના રહસ્યમય આપઘાત મામલે ડાયમંડ વર્કર યુનિયન દ્વારા પોલીસ કમિશ્નર અને રેન્જ આઈજીને રજુઆત કરવામાં આવી છે. તેમના દ્વારા યોગ્ય તપાસ કરવા રજુઆત કરવામાં આવી છે. જયસુખ ગજેરા હંમેશા રત્નકલાકારો માટે ઝઝૂમતા હતા.જયસુખ ગજેરાએ આર્થિક સંકડામણના કારણે આપઘાત કરી લીધો હોવાનું ચર્ચાઈ રહ્યું છે. જો કે, હજુ આત્મહત્યાનું ચોક્કસ કારણ સામે આવ્યું નથી.

યુનિયન દ્વારા જણાવાયું છે કે, ગજેરા આપઘાત કરે એ વાત ગળે ઉતરે એવી નથી માટે જયસુખભાઈના રહસ્યમય આપઘાત પ્રકરણમાં ઉચ્ચ કક્ષાએ નિષ્પક્ષ તપાસ કરવામાં આવે તથા લાશનું ફોરેન્સિક પોસ્ટ મોર્ટમ કરવામાં આવે. તેમના મોબાઇલની એફએસએલ દ્વારા તપાસ કરવામાં આવે તે ખૂબ જરૂરી છે. જેથી ભોગ બનનારને ન્યાય મળે તે ખૂબ જરૂરી છે.