સુરતઃ દક્ષિણ ગુજરાતમાં સૌથી મોટી સહકારી બેંકો પૈકીની એક સુરત ડિસ્ટ્રીક્ટ કો-ઓપરેટિવ બેંકની ચૂંટણીમાં ભાજપની સહકાર પેનલનો વિજય થયો છે. જો કે ભાજપના સાંસદ પ્રભુ વસાવા હારી જતાં ભાજપમાં સોપો પડી ગયો છે. સાંસદ બેંકની સામાન્ય ચૂંટણીમાં જીતી ના શકતાં ભાજપની હાલત કફોડી થઈ છે. આ ચૂંટણી સુરતમાં હતી અને સુરત ભાજપ પ્રદેશ પ્રમુખ સી. આર.પાટીલનું શહેર છે.  આ ચૂંટણીમાં કોંગ્રેસના ધારાસભ્ય પુનાજી ગામિત વિજયી બન્યા હતાં.


સુરત અને તાપી જિલ્લામાં ખેડૂતો અને પશુપાલકો માટે કામ કરતી સુરત ડિસ્ટ્રીક્ટ કો.ઓપરેટિવ બેંકની ચૂંટણીમાં ભાજપના જૂથવાદના કારણે તમામ બેઠકો પર ભાજપની પેનલ જીતી શકી નથી.  13 બેઠકોની ચૂંટણી હતી તેમાંથી  9 બેઠકો પર ભાજપની સહકાર પેનલનો વિજય થયો હતો જ્યારે બાકીની ચાર બેઠકો પર  ભાજપના ત્રણ બળવાખોર જીતી ગયા હતા. બળવાખોરોમાં વર્તમાન ડીરેક્ટર કીરીટ પટેલ ઉપરાંત  બાલુભાઇ પટેલનો વિજય થયો હતો.

રસાકસીભરી ચૂંટણીમાં ભાજપના સાંસદ અને વર્તમાન ડીરેક્ટર પ્રભુ વસાવાનો માજી મેનેજર નરેન્દ્રસિંહ મહિડા સામે 6 મતોથી પરાજય થયો હતો. ભાજપ અને ભાજપના બળવાખોરોની લડાઇમાં કોંગ્રેસને એક બેઠક મળી હતી. વ્યારા બેઠક પરથી કોંગ્રેસના ધારાસભ્ય પુનાજી ગામિત વિજયી બન્યા હતાં.