સુરતઃ ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવાયેલી દોરણ 10ની પરીક્ષાનું પરિણામ આજે મંગળવારે જાહેર થયું છે. સમગ્ર રાજ્યમાં વિદ્યાર્થીઓનું 60.64 ટકા પરિણામ જાહેર કરવામાં આવ્યું છે અને તેમાં સુરત જિલ્લો મોખરે છે. સુરત જિલ્લાનું બોર્ડનું પરિણામ 74.66 ટકા છે.

ધોરણ 10ની ગયા વર્ષે માર્ચ 2019માં લેવાયેલી પરીક્ષાનું પરિણામ 79.63 ટકા આવ્યું હતું. જેમાં આ વર્ષે પાંચ ટકા જેટલા ઘટાડા સાથે કુલ 74.66 ટકા પરિણામ આવ્યું છે કે જે રાજ્યમાં સૌથી વધુ છે. ગયા વર્ષની જેમ આ વર્ષે પણ સુરત જિલ્લો પ્રથમ ક્રમે   આવતાં  ધોરણ 10નાં વિદ્યાર્થીઓ, વાલીઓ અને શિક્ષકોમાં  ખુશીનો માહોલ છવાયો છે.

ગુજરાત માધ્યમિક બોર્ડ દ્વારા માર્ચ 2020માં લેવાયેલી ધોરણ 10ની પરીક્ષાના બોર્ડના પરિણામમાં એ-1 ગ્રેડમાં પણ સુરતના વિદ્યાર્થીઓએ ડંકો વગાડ્યો છે. રાજ્યભરમાં સૌથી વધારે ગ્રેડ ઓ-1 સુરતના વિદ્યાર્થીઓના આવ્યા છે. સુરતના  350 વિદ્યાર્થીને એ-1 ગ્રેડ મેળવવામાં સફળતા પ્રાપ્ત થઈ છે.

રાજ્યમાં સુરતના વિદ્યાર્થીઓ ગ્રેડ એ-2 મેળવવામાં પણ અવ્વલ છે અને સુરતના વિદ્યાર્થીઓને સૌથી વધુ એ-2 ગ્રેડ પ્રાપ્ત થયા છે. સુરતના 4585 સ્ટુડન્ટસને એ-2 ગ્રેડ મળ્યાં છે.