Uttarayan 2024: ગુજરાત માં પતંગરસિકોને આ ઉત્તરાયણ મોંઘી પડવાની છે. કારણ કે, પતંગ બનાવવા માટેની લાકડી, કાગળ મોંઘા થતા મજૂરી વધી હોવાને કારણે પતંગના ભાવમાં પણ વધારો થયો છે. જ્યારે પતંગના દોરામાં નહિવત વધારો છે, તેમ છતાં ઘસામણી મોંઘી થતા સીધી અસર થશે. જોકે, બોબીનમાં 5 ટકા જેવો ઘટાડો પણ નોંધાયો છે. ગત વર્ષે 100 નંગ પતંગના 300થી 500 રૂપિયા હતા. તે હવે આ વર્ષે 100 નંગ દીઠ 30થી 50 રૂપિયાનો વધારો થયો છે જેના કારણે ઉત્તરાયણ મોંઘી પડશે.


ઉત્તરાયણમાં મન મૂકીને પતંગ ચગાવી આકાશને રંગબેરંગી કરતા સુરતીલાલાઓને પતંગ ખરીદવા માટે બમણા પૈસા ખર્ચવા પડશે. હાલ ઉત્તરાયણ પર્વની તડામાર તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. બજારોમાં અવનવા રંગેબેરંગી પતંગો જોવા મળી રહ્યા છે. જોકે, આ વખતે પતંગના ભાવમાં ગત વર્ષની સરખામણીએ 15 ટકા વધારો થતાં પતંગરસિકોના ખીસા પર કાપ મુકાશે.


આ સાથે જ ભાવમાં વધારો ઝીંકાતા ખરીદી ઉપર પણ અસર પડશે આ અંગે પતંગ બજારમાં ત્રણ પેઢીથી પતંગનું વેચાણ કરતા સતીશ ભાઈ પતંગવાલાએ જણાવ્યું હતું કે, છેલ્લા કેટલાક પર્વોમાં જોવા મળેલી સ્થિતિ પ્રમાણે ગત વર્ષની ઉત્તરાયણ કરતાં આ વર્ષની ઉત્તરાયણ સુરતીલાલાઓ માટે મોંઘી રહેશે. તેમાં છતાં અનુભવ થકી કહી શકાય છે કે પતંગમાં ભાવ વધારો થવા છતાં સુરતીલાલઓ ઉત્તરાયણ પર્વની ઉજવણીમાં કોઈ કચાશ બાકી નહીં રાખે. મોંઘા ભાવે પણ સુરતીએ ઉત્સાહભેર ઉત્તરાયણની ઉજવણી કરશે.


આ વર્ષે લાકડી, કાગળ, પેટ્રી પ્રોડક્ટ, સ્ટીલ સહિતનું મટિરિયલ મોઘું થયું છે. ઉપરાંત પતંગ બનાવવાની મજૂરીના ખર્ચમાં પણ વધારો થયો છે. ગત વર્ષે 100 નંગ પતંગના 300થી 500 રૂપિયા હતા. તેની સામે આ વર્ષે 100 નંગ દીઠ 30થી 50 રૂપિયાનો વધારો થતા એજ વસ્તુ 340થી 350 અને 550 સુધીના ભાવમાં પડી રહી છે.પતંગ બનાવવા માટે વાંસની લાકડીઓનો સૌથી વધુ ઉપયોગ થાય છે.


આ વખતે વધુ વરસાદ પડવાને કારણે આ લાકડીનું ઉત્પાદન ખૂબ જ ઓછું થયું છે. 50% જેટલું જ ઉત્પાદન પતંગની લાકડીઓ માટે થયું છે. 50% સાથેના આ ઉત્પાદનના માલમાં પણ અનેક લાકડીઓ તકલાદી આવી છે. જેમાં પતંગ બનાવતી વખતે જ તે તૂટી જાય છે અને તેનું પણ નુકસાન થયું છે. જેની સીધી અસર ઉત્પાદન પર થઈ છે. તેના લીધે પણ પતંગના ભાવમાં વધારો થયો છે.