સુરતઃ શહેરના મહિધરપુરા હીરા બજારમાં દોઢ કરોડનું ઉઠમણું કરી પિતા પુત્ર પલાયન થઇ ગયા હતા. મૂળ બનાસકાંઠાના ઠગ પિતા-પુત્રએ વિશ્વાસ અને ભરોસો આપી હીરા દલાલો પાસેથી ઉધારીમાં 1.56 કરોડ રૂપિયાના હીરા ખરીદીને સમયસર રૂપિયા ચુકવ્યા ન હતા. રૂપિયાની ઉઘરાણી કરતાં ઠગ પિતા-પુત્રએ મારી નાખવાની ધમકી આપી હતી.
મુળ ભાવનગરના બુધેલના રાજુ નરસિંહ જેતાણી અને હીરા વેપારી લાભુભાઇનો સવા બે વર્ષ પહેલા આરોપી મનોજ જોષી અને તેના દિકરા સાગર સાથે પરિચય થયો હતો. પોતે મોટા હીરા વેપારી હોવાનું કહીને સમયસર પેમેન્ટ ચુકવી દેવાનો વાયદો કરીને બે વર્ષ અગાઉ તેઓએ ઉધારીમાં હીરા ખરીદવાની તૈયારી દર્શાવી હતી. રાજુ જેતાણી અને લાભુભાઇ ઠગ પિતા-પુત્રની વાતોમાં આવી ગયા હતા.
રાજુએ રૂપિયા 69,26,053ના 320 કેરેટના તૈયાર હીરા અને લાભુભાઇએ રૂપિયા 87,04,707ની કિંમતના તૈયાર હીરા મનોજ અને સાગરને આપ્યા હતા. ત્યાર બાદ બંનેએ રૂપિયા આપ્યા ન હતા. રાજુ અને લાભુએ ઉઘરાણી કરી તો પિતા પુત્રએ ધમકી આપી હતી. આ બાબતે મહિધરપુરા પોલીસે ફરિયાદી રાજુ જેતાનીની ફરિયાદ લઇને મનોજ જોષી અને સાગર જોષી વિરુદ્ધ છેતરપિંડીનો ગુનો દાખલ કર્યો હતો.