Surat: ડાયમંડ નગરી સુરતમાં ક્રાઈમ રેટમાં સતત વધારો થઈ રહ્યો છે. બુટલેગરો અને ગેમ્બલરો વચ્ચે થયેલી ગેંગવોરમાં એક યુવકના તલવારથી બંને હાથના કાંડા કાપી નાંખવામાં આવ્યા હતા. માન દરવાજા સ્થિત રેલ રાહત કોલોની નજીક બનાવ બન્યો હતો. સલાબતપુરા પોલીસની હદમાં ગુનેગારો બેફામ બન્યા હતા. સલાબતપુરા પોલીસે હત્યાની કોશિશનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. હત્યાની કોશિશના ગુનામાં પિતા-પુત્રની ધરપકડ કરી હતી. બે આરોપી હજી સલાબતપુરા પોલીસની પકડથી દૂર છે.
સુરતના પાંડેસરામાં ક્રિકેટના ઝઘડા મુદ્દે યુવકની હત્યા
સુરતના પાંડેસરા ગોવાલક રોડ આશાપુરી સોસાયટીની પાછળ સનાતન ડાયમંડ નગર ખાતે રહેતા શિવા ભગવાનદાસ શાહુ(24)નો ગઈ તા.૫ જાન્યુઆરીના રોજ ક્રિકેટ રમવા બાબતે પાંડેસરા ભક્તિ નગર ખાતે રહેતા દુર્ગેશ ઉર્ફે દીપક વિનોદ પાંડે(19)સાથે ઝધડો થયો હતો. તા.14મીએ પાંડેસરા બમરોલી રોડ પંચમુખી હનુમાન મંદિર સામે નાકોડા મેદાનમાં દુર્ગેશ ઉર્ફે દીપકે શિવા પર ચપ્પુ વડે હુમલો કર્યો હતો અને નાસી છુટ્યો હતો. દુર્ગેશ દ્વારા કરાયેલા હુમલામાં ગંભીર રીતે ઘવાયેલા શિવાને સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. જ્યાં સારવાર દરમિયાન તેનું મોત થયું હતું. . પોલીસે હત્યાના ગણતરીનાા કલાકોમાં હત્યારાને ઝડપી પાડ્યો હતો.
સુરતમાં નિંદ્રાધીન 20 વર્ષીય પુત્રીના ગળા અને છાતી પર હાથ ફેરવી પિતાનો હવસનો શિકાર બનાવવાનો પ્રયાસ
પાંડેસરા પોલીસ સ્ટેશનમાં આશ્ચર્યની સાથે અચરજ પમાડનારો કિસ્સો નોંધાયો છે. પાંડેસરા વિસ્તારમાં રહેતા મહારાષ્ટ્રીયન પરિવારની શીવાની (ઉ.વ. 20 નામ બદલ્યું છે) એ સગા પિતા વિરૂધ્ધ બિભત્સ હરકત કરી જાતીય સતામણી કર્યાની ફરીયાદ નોંધાવી છે. શીવાનીએ ફરીયાદમાં જણાવ્યું છે કે છુટક મજૂરી કરતા પિતા ભારત જાદવ (ઉ.વ. 50) અને માતા ઘરના ફ્લોરીંગ પર સુતેલા હતા. જયારે શીવાની અને તેનો નાનો ભાઇ પલંગ પર સુતેલા હતા ત્યારે મધરાત્રીના સમયે તેના પિતા પલંગની નીચે આવી સુઇ ગયા હતા અને ગળા તથા છાતીના ભાગે હાથ ફેરવી બિભત્સ હરકતો કરી હતી. પિતાના હવસ ભર્યા સ્પર્શથી શિવાની ચોંકી ગઇ હતી અને નરાધમ પિતાનો હાથ ઝાટકી દુર રહેવા કહ્યું હતું. જેથી પિતા ભારત પોતાની જગ્યા પર જઇને સુઇ ગયા હતા. જેની આંગળી પકડી ચાલતા શીખી હતી તે પિતાએ જ શિવાનીને પોતાની હવસનો શિકાર બનાવવાનો પ્રયાસ કર્યાની જાણ મોટી બહેનને કરી હતી. મોટી બહેને પિતાના હેવાનીયતની જાણ માતાને કરી હતી.
ઠંડીથી બચવા તાપણું કરતા લોકો માટે લાલબત્તી સમાન કિસ્સો, જાણો વિગત
ગુજરાત સહિત હાલ દેશમાં કાતિલ ઠંડી પડી રહી છે. ઠંડીથી રક્ષણ મેળવવા ઘણા લોકો તાપણાનો સહારો લઈ રહ્યા છે. આ દરમિયાન પાટણમાં ઠંડીથી બચવા તાપણું કરતા લોકો માટે લાલબતી સમાન કિસ્સો સામે આવ્યો છે. રાધનપુરમાં તાપણું કરતી વખતે બે લોકો ગંભીર રીતે દાઝ્યા હતા. નેશનલ હાઇવે ની કામગીરી કરતા પ્લાન્ટ પર બે ઈસમો દાઝ્યા હતા. તાપણું કરતી વખતે આગમાં કોઈ પદાર્થ નાખવાથી આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. જેના કારણે તાપણું કરી રહેલા બે ઈસમો આગની લપેટમાં આવતા તાત્કાલિક રાધનપુર રેફરલ હોસ્પિટલ ખસેડાયા હતા. જ્યાં પ્રાથમિક સારવાર આપી વધુ સારવાર અર્થે મહેસાણા ખાતે રીફર કરાયા હતા.