સુરતઃ સુરતમાં ધીરૂ ગજેરા ફરી ભાજપમાં જોડાઈ ગયા છે. ભાજપમાં જોડાતાં સમયે જાહેરમંચ પરથી પ્રતિજ્ઞા લેતાં ધીરૂ ગજેરાએ જાહેર કર્યું કે, હવે અંતિમ શ્વાસ સુધી ભાજપ સાથે રહીશ અને મારો 14 વર્ષનો વનવાસ પૂરો થાય છે. સતત ત્રણ ટર્મ સુધી ભાજપના ધારાસભ્ય રહી ચૂકેલા ધીરૂ ગજેરા  કોંગ્રેસના ઉમેદવાર તરીકે લોકસભા અને વિધાનસભાની ચાર ચૂંટણી હારી ગયા હતા. એ પછી હવે તેમને ભાજપે પાછા લીધા છે. પાટીદાર નેતા ગજેરા વરાછા અને કતારગામ વિસ્તારમાં રાજકીય રીતે સક્રિય રહ્યા છે. 


ભાજપના પૂર્વ ધારાસભ્ય ધીરૂ ગજેરા કોંગ્રેસમાં જોડાયા હતા પણ 14 વર્ષ પછી ભાજપમાં પાછા ફરતાં ગુજરાત પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલે ભાજપનો ખેસ પહેરાવી આવકાર્યા હતા. ધીરૂ ગજેરા પોતાના સમર્થકો સાથે ભાજપમાં જોડાયા હતા. તેમણે કહ્યું હતું કે પાર્ટી જ્યાં કામ આપશે ત્યાં કામ કરવા તૈયાર છે.



ધીરૂ ગજેરાએ જણાવ્યું કે, આજે બરાબર 14 વર્ષ પછી ભારતીય જનતા પાર્ટીમાં આવ્યા છે. 14 વર્ષનો એક પ્રકારે વનવાસ ભોગવ્યો છે. 2007માં જે પાર્ટી છોડીને ગયેલા ધારાસભ્યો અને કાર્યકરો દુઃખ વેઠીને પોતાના પક્ષમાં પરત ફર્યા છે. સીઆર પાટીલે કહ્યું કે,  ધીરૂ ગજેરા ઘણા સમયથી દુઃખી હતા અને હવે ફરીથી પોતાના ઘરે પરત ફર્યા છે તેથી સહર્ષ અમે તેમને સ્વીકાર્યા છે. પાટીલે કહ્યું કે, ગજેરા દંતકથા જેવા છે અને સ્પષ્ટવક્તા છે તેથી તેમના દોસ્ત ઓછા ને દુશ્મન વધારે છે.


ધીરૂ ગજેરા 1995થી 2007 સુધી ભાજપ સાથે જોડાયેલા હતા.ધીરૂ ગજેરા મૂળ જનસંઘમાં સક્રિય હતા ત્યાર બાદ તેઓ ભાજપના ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતા. વર્ષ 1995થી 2007 સુધી ભાજપ સાથે જોડાયેલા રહ્યા હતા. ભાજપ સાથે છેડો ફાડીને કોંગ્રેસમાં જોડાયા હતા. ધીરૂ ગજેરા કોંગ્રેસમાંથી સતત ચાર વખત પરાજિત થયા છે. કોંગ્રેસમાંથી સતત તેઓ ચાર વખત પરાજિત થયા છે. ધીરૂ ગજેરા રાજકીય મંચ ઉપરથી ભાષણ આપીને લોકોની તાળીઓ તો ખૂબ મેળવતા હોય છે પરંતુ મત મેળવવામાં નિષ્ફળ થયા હતા. નરેન્દ્ર મોદી સામે પણ તેમણે બેફામ વાણીવિલાસ કર્યો હતો.