સુરતઃ શહેરના પનાસગામ વિસ્તારમાં રહેતી અને હેલ્થ સેન્ટરમાં નોકરી કરતી 26 વર્ષીય યુવતીને લગ્નની લાલચ આપી હોટલમાં લઈ જઈને શરીરસુખ માણ્યા પછી તરછોડી દીધી હોવાની ઘટના સામે આવતાં ખળભળાટ મચી ગયો છે. યુવતીને તેના પતિથી છૂટાછેડા લેવડાવ્યા પછી અન્ય યુવતી સાથે પ્રેમસંબંધ બંધાતા લગ્ન કરવાનો ઇનકાર કરી દીધો હતો. એટલું જ નહીં, યુવતીને ખાલી મજા કરવા માટે લગ્નની લાલચ આપી હોવાનું કહીને તરછોડી દીધી હતી.
આ અંગેની વિગતો એવી છે કે, પનાસગામમાં રહેતી 26 વર્ષીય યુવતીના વર્ષ 2012માં લગ્ન થયા હતા. આ લગ્ન સંબંધથી તેને 6 વર્ષનો દીકરો પણ છે. જોકે, પતિ સાથે મનમેળ ન રહેતા તે પતિથી અલગ રહેતી હતી. દરમિયાન બે વર્ષ પહેલા તે મહારાષ્ટ્રના એક યુવકના સપંર્કમાં આવી હતી અને તેના પ્રેમમાં પડી ગઈ હતી.
પ્રેમીએ યુવતીને લગ્ન કરવાની લાલચ આપી હતી. તેમજ પતિ સાથે છૂટાછેડા લેવા અને પુત્રને પતિના હવાલે કરી દેવા જણાવ્યું હતું. આમ કહીને તેણે લગ્નનો પ્રસ્તા મુક્યો હતો. શરૂઆતમાં તો યુવતીએ ઇનકાર કરી દીધો હતો. જોકે, પછી તે પ્રેમીની વાતોમાં આવી ગઈ હતી.
દરમિયાન યુવક સુરત આવ્યો હતો અને તેને શહેરની અલગ અલગ હોટલમાં લઈ જઈને લગ્નની લાલચ આપી યુવતી સાથે શારીરિક સંબંધ બાંધ્યા હતા. બીજી તરફ પ્રેમી સાથે લગ્ન કરવાના કોડમાં યુવતીએ દીકરાને પતિના હવાલે કરી છૂટાછેડા લઈ લીધા હતા.
યુવતીએ છૂટાછેડા પછી પ્રેમીને લગ્ન માટે કહેતા યુવક ફરી ગયો હતો. તેમજ તેણે લગ્ન કરવાનો સ્પષ્ટ ઇનકાર કરી દીધો હતો. તેમજ તેને બીજી છોકરી મળી ગઈ છે અને તેની સાથે લગ્ન નહીં કરે તેમ કહી દીધું હતું. એટલું જ નહીં, તેણે યુવતી સાથે શારીરિક સંબંધ માટે જ લગ્નની લાલચ આપી હોવાનું કહી તરછોડી દીધી હતી. આમ, પ્રેમીએ દગ્ગો દેતા ખટોદરા પોલીસ સ્ટેશનમાં પ્રેમી સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસે આરોપી સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.